Thursday, December 2, 2010

ખાંડવી

૪ થી ૬ વ્યકિત માટે
લો પાવર લેવલ = ૦૦ - ૪૦ %
મઘ્યમ પાવર લેવલ = ૪૦ - ૯૦ %
માઇક્રો = ૧૦૦ %
સામગ્રી :
૧ કપ ચણાનો લોટ,
૩ કપ ખાટી છાસ,
મીઠુ સ્વાદ મુજબ,
૧ ચમચી લાલ મરચું,
૧ ચમચી ધાણાજીરુ,
અડધી ચમચી હળદર,
૨ થી ૩ લીલાં મરચા,
વઘાર માટે તેલ, રાઇ,
કોથમીર, સફેદ તલ.
રીત :
સૌ પ્રથમ તેલ લગાડેલાં એક બાઉલમાં ચણાનો લોટ, છાસ, મીઠું, મરચું, ધાણાજીરુ, હળદર આ બધુ જ નાખીને એકસરખુ હલાવી ૧૫ મિનિટ માટે માઇક્રો કરો કરો. વરચે બે વખત હલાવો. હવે એક તેલ લગાડેલી ડીશમાં ગરમ ગરમ જ પાથરી દો. થોડીવાર ઠંડુ પડે પછી તેની લાંબી પટ્ટી કાપી ગોળ રોલ વાળો અને સમારી લો. હવે એક બાઉલમાં વઘાર માટે તેલ લઇ તેને ૩ મિનિટ માટે માઇક્રો કરી તેમાં રાઇ અને તલ નાખી તૈયાર થયેલી ખાંડવી પર છાંટી દો. ઉપર કોથમીર થી સજાવટ કરો.

ખમણ ઢોકળા

સામગ્રી :
500 ગ્રામ ચણાદાળ,
નારિયેળનું ખમણ,
આદું-મરચાં,
હિંગ-રાઈ, કોથમીર તેલ, મીઠું, ખારો.
રીત :
રાત્રે ચણાની દાળને પલાળી, સવારે વાટી તેમાં તેલ અને ખારો નાખી ખૂબ ફીણો. બાદ તેમાં વાટેલ આદું-મરચાં, મીઠું નાખી આથો લાવો. થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી, વરાળથી બાફો અને ઠંડા પડે ટુકડા કરો. તેલ ગરમ કરી રાઈ-હીંગ વગેરેનો વઘાર કરી તેમાં ટુકડા નાખી હલાવો. તૈયાર થયે સમારેલ કોથમીર-મરચાં અને કોપરાનાં છીણને ભભરાવીને ચટણી સાથે ઉપયોગ કરો.
ખમણની ચટણી બનાવવા માટે:
200ગ્રામ ખમણનો ભૂકો,
ખાંડ, રાઈ, કોથમીર, તેલ,
100 ગ્રામ અડદ-દાળ,
લીમડો, કોપરું અને દહીં તૈયાર કરો.
રીત:
સૌ પ્રથમ અડદની દાળને તેલમાં શેકીને વાટો. કોપરું અને કોથમીર ઝીણાં વાટી, તેમાં મીઠું નાખી ખમણનો ભૂકો ભેળવો. પછી આદું, મરચાં, મીઠું બધું વાટીને તેમાં નાખો. તેલમાં રાઈ, મીઠા-લીમડાનાં પાનનો વઘાર કરી તેમાં ભેળવો. આ રીતે તૈયાર થયેલી ચટણીનો ખમણ સાથે ઉપયોગ કરો.

અળવી નાં પાતરા

સામગ્રીઃ
૪૦૦ ગ્રા. અળવી પાન,
૪૦૦ગ્રા. ચણાનો લોટ,
૭૫ગ્રા. ઘઉંનો લોટ,
આદું, તલ, મીઠું,મરચું,
કોપરાનું છીણ,ધાણાજીરું,
તેલ,કોથમીર,આમલી,
હળદર,હિંગ,ગોળ.
બનાવવાની રીત(૫ વ્‍યકિત):
૧.ભૂરી દાંડીના પાનની નસો કાઢી, ધોઈ, કોરા કરો.
૨.ચણાના લોટમાં ઘઉંનો લોટ ભેળવી તેમાં ધાણા – જીરું, હળદર, મીઠું, મરચું, તલ ,ગોળ, આમલીનોરસ, આદું – મરચાંથી જાડું ખીરું બનાવો.
૩.પાટલા ઉપર લીસો ભાગ નીચે રહે તેમ પાન ગોઠવી, તેના ઉપર ખીરું લગાવો. પછી તેના ઉપર બીજું પાન ગોઠવી ખીરું લગાવો. તેના ઉપર ત્રીજું પાન ગોઠવી ખીરું લગાવો. આમ ચાર – પાંચ પડ કરી વીંટો વાળો. તેના ઉપર દોરી વીંટો. આમ ત્રણ – ચાર વીંટા કરો.
૪.આ વીંટાને વરાળથી બાફો, વીંટા બરાબર બફાયા પછી કાઢી લો. ઠંડા પડે, નાનાં – નાનાં પતીકાં કરો. તેને તેલમાં તળો કે વઘારો.
૫.તૈયાર થયે ચટણી કે સોસ સાથે ઉપયોગ કરો.
પોષકતાઃ
૨૫૦૦ કેલરીની આ વાનગી છે. વ્‍યકિત દીઠ ૫૦૦ કેલરી મળે છે. લીલોતરી શાકપાનમાં સેલ્‍યુલોઝ વધુ હોય છે. તેનો અવશેષ આંતરડામાં ભારની ગરજ સારતો હોઈ આંતરડાનું હલન – ચલન ઉશ્‍કરે છે; પરિણામે જાળ ધકેલાઈ દસ્‍ત સાફ આવે છે.

સાતપડી રોટલી

સામગ્રીઃ
ઘંઉનો લોટ ૩ વાટકી,
તેલ પ્રમાણસર,
ઘી પ્રમાણસર
રીતઃ
એક કથરોટમાં ઘંઉનો લોટ ચાળીને તેમાં તેલનું મોણ નાખીને રોટલી જેવો લોટ બાંધવો. ત્‍યારબાદ તેના લૂવા બનાવીને ઘંઉના લોટનું છાંડીને તેની લાંબી સાત પટ્ટીઓ બનાવવો. પછી તેની રોટલી વણવી અને તેને લોઢી પર ધીમે ધીમે શેકવી જેથી સાત પડ છૂટા પડશે. રોટલી બંને બાજુ શેકાઈ જાય એટલે ઉપર ઘી લગાડી દેવું.


પુરણ પોળી

સામગ્રી :



(ચાર વ્યક્તિઓ માટે)
200 ગ્રામ ચણાની દાળ,
300 ગ્રામ ખાંડ,
300 ગ્રામ ચોખ્ખુ ઘી,
6-7 ઇલાયચીના દાણા,
2 જાયફળ,
8-10 વાળા કેશર,
300 ગ્રામ લોટ (મેંદાની ચાળણીથી ચાળેલ).

રીત :
ચણાની દાળને બાફી લો. હવે તે ઠંડી થાય એટલે તેને એક મોટી ચાળણીમાં કાઢીને બધું પાણે નિતારી લો.
જ્યારે તે ઠંડી થઈ જાય એટલે તેમાં 300 ગ્રામ લઈને તેને ખાંડને દળી લો.
હવે તેને પીસેલી દાળની અંદર મિક્સ કરી લો. હવે તેને ગેસ પર મુકીને ચડવા દો.
જ્યારે પુરણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને નીચે ઉતારી લો.
ત્યાર બાદ તેમાં જાયફળ, ઇલાયચી, કેશર નાંખીને 8 થી 10 ગોળીઓ બનાવી લો.
પૂરણ પુરી બનાવવા માટે :
એક થાળીમાં મેંદાની ચાળણીથી લોટ ચાળો. તેમાં ઘી નાંખીને તેનો લોટ બાંધી લો.
તેના નાના નાના લુઆ બનાવી એક એક લુઆની અંદર પૂરણની ગોળીઓ ભરી દો.
હવે તેની રોટલી બનાવી લો. ત્યાર બાદ તેને તવા પર ઘી લગાવીને બંન્ને બાજુ ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો. હવે આ પૂરણ પુરી પર ઘી લગાવીને તેને ગરમ ગરમ પીરસો
.

આખા અડદ સાથે બાજરાના રોટલા

સામગ્રીઃ-
૨૫૦ ગ્રા. આખા અડદ,
વાટેલા આદું- મરચા અને લસણ,
અડધી વાટકી સમારેલી કોથમીર,
૫૦૦ ગ્રા. ખાટી છાશ,
મીઠું પ્રમાણસર,
૨ ટી સ્‍પૂન ચણાનો લોટ,(ખાસ બંધારણ માટે)
અડધી વાટકી પાતળી સમારેલી ડુંગળી,
૪થી૫ કળી સમારેલી લસણની,
૧ ચમચી રાઈ,
૧ ચમચી લાલ મરચું પાઉડર,
વધાર માટે તેલ ૨ ટે. સ્‍પૂન,
અડધી ચમચી હળદર






રીતઃ-
અડદને સારી રીતે ધોઈને, પાણી રેડી કુકરમાં વ્‍હીસલ વગાડી બાફી લેવા, પછી એને જે તપેલીમાં કરવા હોય તેમાં કાઢી લો. એક વાસણમાં છાશ લઈ તેમાં ૨ ચમચી ચણાનો લોટ મિકસ કરી અડદમાં રેડી, એમાં મીઠું, હળદર, વાટેલા આદું – મરચાં – લસણ નાખી ધીમે તાપે ઉકળવા મૂકી, વઘારિયામાં (જરા મોટું વઘારિયું લેવું અથવા લોખંડની નાની તાંસળી લેવી) બે થી અઢી ચમચા તેલ મૂકવું. તેલ આવે એટલે એમાં રાઈ નાખી, સૂકા મરચાંના ટુકડા નાખવા, રાઈ તતડે એટલે મેથી, હિંગ વિ. નાખી ઉપર મરચું પાઉડર નાખી અડદમાં વઘાર કરવો. હવે કડાઈમાં અડધી ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળો. જરા સંતળાય એટલે લસણ જે કાપીને રાખ્‍યું હોય તેને સાંતળવું, ડુંગળી ને લસણનો રંગ જરા ગુલાબી થાય એટલે અડદમાં રેડી, પાંચથી સાત મિનિટ ઉકળવા દેવું અને ઉપર કોથમીર નાખવી.
વઘાર માટેઃ-
બધો ભેગો વધાર કરવો હોય તોપણ કરી શકાય. દા.ત. તેલ મૂકીને રાઈ તતડે એટલે કાંદા નાખવા. જરાક સંતળાય એટલે લસણ નાખવું ને સૂકા મરચાંના કટકા નાખી દેવા. છેલ્‍લે મેથી નાખી દેવા વઘાર અડદમાં રેડી શકાય.આ અડદ સાથે ગરમ બાજરાના રોટલા, લીલી ડુંગળીના દાંડા, લસણની લાલ ચટણી અને રીંગણાનો ઓળો, એમાં લીલું લસણ અને કોથમીર તેમજ છીણેલું આદું નાખીને અસલ શિયાળુ જમણની મોજ માણવી.

દાળ ઢોકળી

સામગ્રી:


એક વાટકી તુવેરની દાળ
100 ગ્રામ ગોળ
પાંચથી છ કોકમ
અડધી ચમચી હળદર
અડધી ચમચી લાલ મરચું
એક ચમચી સિંગદાણા
4 ચમચી તેલ
વઘાર માટે બે-ત્રણ લવિંગ,તજ
અડધી ચમચી રાઈ
હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું.


ઢોકળી માટે:

ઘઉંનો લોટ એક વાટકી,
પા ચમચી હળદર,
મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે.
બે ચમચી તેલ મોણ માટે.


રીત :


સૌ પ્રથમ તુવેરની દાળને બાફી એમાં સંચો ફેરવી એકરસ કરવી.એમાં છ કપ ગરમ પાણી નાખવું.
હવે ગોળ, કોકમ, હળદર, મરચું, મીઠું અને સિંગદાણા નાખીને ઊકળવા દો.
બે ચમચા તેલ વઘાર માટે મૂકી એમાં તજ, લવિંગ, રાઈ અને હિંગ નાખી વઘાર થાય એટલે દાળમાં નાખવો.
એક વાટકી લોટમાં મીઠું, તેલ, હળદર, મરચું નાખી થેપલા જેવો લોટ બાંધવો.
એના એક સરખા લૂઆ કરી પાતળી રોટલી વણી એને છરી વડે નાના ચોરસ ટુકડા કરી દાળમાં નાખવા.
ઢોકળી નાખ્યા બાદ દસ મિનિટ ઊકળવા દેવું. પીરસતી વખતે એક ચમચી ઘી નાખવું અને કોથમીર ભભરાવવી.
નોંધ : દાળઢોકળીમાં કચોરી અથવા શાક પણ બાફીને ઉમેરી શકાય.