Friday, January 7, 2011

સેવખમણી



સેવખમણી



સામગ્રી :
૫૦૦ ગ્રામ ચણાની દાળ,
આદુ, મરચાં, કોથમીર,
મીઠું,લીલા મરચાં,ગરમ મસાલો,
કોપરા નું છીણ, ઝીણી સેવ, લસણ
રીત :
ચણાની દાળ ને રાત્રે પલાળી , સવારે ઝીણી વાટો, વાટેલી દાળ ને કૂકરમાં બાફો, દાળ બફાઇ જાય એટલે એક તાવડી માં તેલ લઇ તેમાં રાઇ હિંગ નો વઘાર કરી આદુ મરચાં કોથમીર,લીલા મરચાં લસણ આંબલીની ચટણી નાંખી હલાવો. આમ ખમણી તૈયાર થશે.
હવે ડીશમાં ખમણી મૂકી તેના પર કોપરાનું છીણ , કોથમીર અને ઝીણી સેવ ભભરાવો.

પોટેટો અને ઓનિયન સૂપ



પોટેટો એન્ડ ઓનિયન સૂપ



સામગ્રી :
સમારેલા બટાકા - ૪ નંગ,
ઓલિવ ઓઈલ - ૪ ચમચા,
સમારેલી ડુંગળી - ૨ નંગ,
સમારેલું લસણ - ૩-૪ કળી,
લીલી ડુંગળીનાં પતીકાં - ૩-૪,
હેઝલનટ્સ - ૨ ચમચા,
તમાલપત્ર - ૧,
મરી - ૫-૬ નંગ,
સમારેલી લીલી ડુંગળી - ૨,
તુલસી - ૩-૪ પાન,
તાજાં લાલ મરચાં - ૧ નંગ,
દૂધ - ૨ કપ,
મીઠું - સ્વાદ મુજબ
રીત :
એક પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરી તેમાં ડુંગળીને એક મિનિટ માટે સાંતળો. લસણ અને લીલી ડુંગળી ઉમેરી તે એકદમ ગરમ થાય ત્યાં સુધી સાંતળો. સમારેલા બટાકા અને હેઝલનટ્સ નાખી વધુ બે-ત્રણ મિનિટ સાંતળો. ત્યાર બાદ તમાલપત્ર, મરી, મીઠું અને ત્રણ કપ પાણી ઉમેરી રહેવા દો. સમારેલી લીલી ડુંગળી નાખી બટાકા બરાબર બફાઈ જવા દો. તુલસીનાં પાન નાખી એક મિનિટ રાખો. પછી તમાલપત્ર કાઢી લઈ સૂપ ગાળી લો. બટાકાનું મિશ્રણ ઠંડું પડે એટલે તેની મિકસરમાં પ્યોરી તૈયાર કરો. પ્યોરીને ગાળેલા સ્ટોક સાથે મિકસ કરી જરૂર લાગે તો મીઠું નાખો. મિશ્રણને ઊકળવા દો. દૂધ ઉમેરી મિકસ કરી ઊકળવા દો. સૂપને સિર્વંગ બાઉલમાં કાઢો. બાકીનું ઓલિવ ઓઈલ બીજા પેનમાં ગરમ કરી તેમાં તાજાં લાલ મરચાંને સાંતળો. સૂપને સૂપ બાઉલમાં રેડી ઉપર સાંતળેલાં મરચાં સાથે ઓલિવ ઓઈલથી સજાવટ કરી સર્વ કરો.

વેજિટેબલ ઉપમા




વેજિટેબલ ઉપમા



સામગ્રી :
શેકેલો રવો - ૧ કપ,
બટાકાના અડધા ઈંચના ટુકડા - ૧ નંગ,
ગાજરના અડધા ઈંચના ટુકડા - ૧ નંગ,
ફુલાવર - ૫-૬ નાનાં ફૂલ,
ફણસીના અડધા ઈંચના ટુકડા - ૩-૪ નંગ,
લીલા વટાણા - ૨ ચમચા,
લીલાં કેપ્સિકમના અડધા ઈંચના ટુકડા - અડધું,
તેલ - ૨ ચમચા, રાઈ - પા ચમચી,
અડદની દાળ - ૧ ચમચી,
લીમડો - ૭-૮ પાન,
સમારેલી ડુંગળી - ૧ નંગ નાની,
સમારેલું આદું - નાનો ટુકડો,
લીલાં મરચાંની ચીરીઓ - ૨ નંગ,
મીઠું - સ્વાદ મુજબ
રીત :
ઊંડી કડાઈમાં તેલ ગરમ કરી, તેમાં રાઈ અને અડદની દાળ નાખો. રાઈ તડતડે એટલે લીમડો અને સમારેલી ડુંગળી નાખી ડુંગળી આછા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે બટાકા, ગાજર, ફુલાવર અને ફણસી નાખીને હલાવો. મીઠું ભેળવીને મઘ્યમ આંચ રાખી બધાં શાક નરમ થાય ત્યાં સુધી રહેવા દો. આદું, લીલાં મરચાંની ચીરીઓ, વટાણા અને કેપ્સિકમ મિકસ કરો. અઢી કપ પાણી રેડી તેને ઊકળવા દો. પછી ઢાંકીને મઘ્યમ આંચે બધા શાક બફાઈ જાય ત્યાં સુધી રાખો. રવો નાખીને હલાવો. ઢાંકણું ઢાંકીને મઘ્યમ આંચે ઉપમા સીઝી જાય અને બધું પાણી શોષાઈ જાય ત્યાં સુધી રહેવા દો. ગરમ ગરમ વેજિટેબલ ઉપમાનો સ્વાદ માણો.

સીગદાણાના લાડુ



સીગદાણાના લાડુ



સામગ્રી -
200 ગ્રામ સીંગદાણા,
50 ગ્રામ ગોળ,
બે-ત્રણ ઈલાયચી,
કાજુ-બદામનો ભૂકો બે ચમચી,
એક ચમચી ઘી.
રીત -
સીંગદાણાને સેકી તેના છાલટા કાઢી સાફ કરી લો. હવે ગોળનો ભૂકો કરી લો. મિક્સરમાં સીંગદાણા, ઈલાયચીના દાણા, અને ગોળ નાખી બે-ત્રણ સેકંડ ચલાવી લો. સીંગદાણાનો ભૂકો દરદરો રહેવો જોઈએ. એક થાળીમાં આ મિશ્રણને કાઢી તેમાં કાજુ બદામની કતરન,કિશમિશ અને ઘી ગરમ કરેલું નાખી સારી રીતે ભેળવી લો. હવે આ મિશ્રણના નાના લાડુ બનાવી લો.
આ લાડુ ધણા પૌષ્ટિક હોય છે અને આ દસ દિવસ સુધી પણ રાખી મૂકો તો ખરાબ થતાં નથી.

મગની દાળનો શીરો



મગની દાળનો શીરો



સામગ્રી -
દોઢ કપ મગની દાળ,
2 કપ ખાંડ, 2 કપ દૂધ,
ઈલાયચી, બદામ,
પિસ્તા અને દૂધમાં ઓગાળેલુ કેસર.
વિધિ -
મગની દાળને રાતે પલાળવા મુકી દો. સવારે તેમાંથી પાણી સારી રીતે નીતારી લો. હવે આ દાળને મિક્સરમાં બારીક વાટી લો. એક કઢાઈમાં ઘી ગરમ કરવા મુકો. ઘી તપે કે વાટેલી દાળ નાખીને તેને સેકો. દાળને સતત હલાવતા રહેવુ પડશે. જ્યારે દાળ તૈયાર થઈ જશે ત્યારે તેમાંથી ઘી છુટુ પડશે.
દાળ શેકાયા પછી જો તળિયામાં ચોંટે તો થોડુ ઘી ઉમેરો. હવે આ મિશ્રણમાં દૂધ નાખી સતત હલાવતા રહો. દૂધ સુકાય જાય ત્યારે ખાંડ નાખો. ખાંડ ઓગળતા સમય લાગશે. હવે દૂધમાં ઓગાળેલુ કેસર નાખી તેને હલાવો.
આ શીરા પર સુકોમેવો ભભરાવી ગરમા ગરમ પીરસો.
આ શીરો ઠંડીમાં પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક છે.

ચુરમા-ગોળનાં લાડવા

ચુરમા-ગોળનાં લાડવા

સામગ્રી:
500 ગ્રામ ઘઉંનો લોટ (કરકરો),
500 ગ્રામ ઘી,
600 ગ્રામ ગોળ,
1/2 ચમચી એલચી પાવડર,
1 ચમચી જાયફળનો ભુક્કો,
100 ગ્રામ કોપરાનું છીણ,
દૂધ -લોટ બાંધવા માટે
રીત:
200 ગ્રામ જેટલું ઘી ગરમ કરી ઘઉંના લોટમાં મોણ અને એલચીનો પાવડર નાંખી દૂધ વડે કડક લોટ બાંધી 15-20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેના 18-20 લુઆ કરી થોડી જાડી પૂરી બનાવી તેના પર વેલણથી થોડા કાણાં કરી બધી પૂરી વણી લો. એક કડાઈમાં ઘી ગરમ કરી આ બધી પૂરી ધીમા તાપે તળી લેવી. પૂરી ઠંડી થાય પછી તેને મિક્સરમાં પીસી ચુરમુ બનાવી લો. કડાઈમાં બાકી બચેલા ઘીમાં કોપરાનું છીણ, એલચી પાવડર, જાયફળનો ભુક્કો અને ગોળ નાંખી ગોળનો પાયો તૈયાર કરી તેમાં ચુરમું નાંખી લાડવા બનાવો.

રંગીન ઘૂઘરા બૂંદી સાથે



રંગીન ઘૂઘરા બૂંદી સાથે



સામગ્રી -
250 ગ્રામ મેંદો,
1 કપ બારીક મીઠી બૂંદી
(લાડવાનો ભૂકો પણ લઈ શકો છો)
1 ચમચી ઘી મોણ માટે,
1 ચમચી મેવો કતરેલો,
કેસરના રેસા દૂધમાં ઘોટેલી,
દોઢ કપ ચાસણી 2 તારની,
ઘી તળવા માટે,
વિધિ -
મેંદામાં મોણ નાખીને તેને સારી રીતે મિક્સ કરી લો. તેમાં લાલ, લીલો રંગ અને થોડુ કેસર નાખીને ત્રણે જુદા જુદા લોટ બાંધી લો અને લાંબા રોલ બનાવી લો.
ત્રણ રોલને મેળવીને નાની-મોટી લોઈ બાનવી લો. બૂંદીમાં કેસર અને મેવો ભેળવી લો. મેંદાની નાની-નાની પૂરી વણી અને તેમાં થોડી બૂંદી મૂકો. તેનાથી ઘૂઘરા બનાવી લો.
હવે ઘી ગરમ કરી ધીમા તાપે સોનેરી રંગના તળી લો. થોડા ઠંડા થયા પછી ચાસણીમાં નાખી ચારણ પર નિતારવા મૂકો. આ ઘૂઘરા બનાવવામાં સહેલા, દેખાવમાં સુંદર અને ખાવામાં સ્વાદિષ્ટ લાગશે.