Thursday, December 2, 2010

કેસર શ્રીખંડ

સામગ્રી -
500 ગ્રામ શ્રીખંડ બનાવવા માટે 1 લીટર દૂધ,
કેસર, ઈલાયચી,
દહી મોળુ 50 ગ્રામ,
ખાંડ 200 ગ્રામ,
જાયફળ પાવડર એક ચમચી,
ચારોળી 5 ગ્રામ.
રીત -
સૌ પ્રથમ દૂધને ગરમ કરો, હવે એક કપમાં થોડુ દૂધ લઈ તેમાં કેસર ઓગાળી આ દૂધ સમગ્ર દૂધમાં મિક્સ કરો. દૂધ એકદમ ઠંડુ થાય કે તેમા બે ચમચી દહીં ઉમેરી દો. હવે આ દૂધને ગાળી લો. પછી બધુ દહી દૂધમાં નાખી દો. જો તમે રાતે આવુ કરશો તો સવાર સુધી દહી તૈયાર થશે.
હવે એક થાળી પર કોટન કપડુ પાથરો અને ઉપરથી દહીં પાથરી દો. ધીરે ધીરે દહીમાં રહેલુ પાણી નીકળી જશે લગભગ એક કલાક સુધી રહેવા દો જેથી દહીનું સંપૂર્ણ પાણી નીતરી જાય. હવે કપડાને દહી સાથે ઉચકી લો અને દહીને એક તપેલીમાં કાઢી લો. આ પ્રકારે તૈયાર થયેલા દહીને મસકો કહે છે. હવે આ મિશ્રણમાં ખાંડ નાખી મિક્સ કરો. ખાંડ ઓગળી જાય કે તેને ઝીણા કપડાં વડે ગાળી લો. ઉપરથી ઈલાયચી પાવડર, જાયફળ પાવડર, ચારોળી નાખી હલાવો. હવે શ્રીખંડને ઠંડુ કરી ગરમા ગરમ પૂરી સાથે પરોસો.
આ શ્રીખંડમાં કેરી, પાઈનેપલ, દ્રાક્ષ, સફરજન પણ ઉમેરીએ તો ફ્રુટ શ્રીખંડ બની જશે.

કાજૂ-બદામના ઘૂઘરા

સામગ્રી :
૨પ૦ ગ્રામ મેંદો,
પ૦ ગ્રામ શેકેલ રવો,
પ૦ ગ્રામ માવો,
પ૦ ગ્રામ બદામ,
પ૦ ગ્રામ કાજૂ,
૨૦૦ ગ્રામ દળેલી ખાંડ,
૧૦૦ ગ્રામ ઘી,
પ૦ ગ્રામ ટોપરાનું ખમણ,
એલચી તથા દ્રાક્ષ સ્‍વાદ પ્રમાણે,
તળવા માટે ઘી અથવા તેલ.
રીત :
બદામ અને કાજૂને ખાંડી લેવા તેમા માવો, શેકેલો રવો, કોપરાનું ખમણ, એલચી, દ્રાક્ષ તથા ખાંડ નાખીને બરોબર ભેળવી મિશ્રણ તૈયાર કરવું. મેંદાને દૂધ તથા ઘી સાથે ખૂબ મેળવીને પૂરી જેવો લોટ બનાવવો. તેમાથી પૂરી વણી તેની વચ્‍ચે તૈયાર મિશ્રણ મૂકીને ઘૂઘરાના મોલ્‍ડ દ્વારા ઘૂઘરા બનાવવા. બાદમાં તેને તળી લેવા. ઠંડા થયા બાદ સર્વ કરવા.

નારંગીનુ શરબત

સામગ્રી -
નારંગીનો રસ 400 મિલી.લી,
લીંબૂનો રસ દોઢ કપ ખાંડ,
નારંગી રંગના થોડાક ટીપા,
મોસંબીનું એસેંસના કેટલાક ટીપા,
કેએમએસ એક ચપટી.
વિધિ -
મોસંબીનો ગાળી લો. ખાંડમાં થોડુ પાણી નાખીને 2 તારની ચાસણી બનાવો. તેમાં લીંબૂનો રસ ભેળવી ગાળી લો. ચાસણીમાં ધીરે ધીરે નારંગીનો રસ ભેળવો, એક મિનિટ ઉકાળ્યા પછી ઉતારી લો. આમાં થોડુ શરબત કાઢી લો અને તેમા કેએમએસ સારી રીતે ભેળવી બધામાં મિક્સ કરો. એસેંસ અને નારંગી રંગ પણ ભેળવો. એસેંસ અને નારંગી રંગ પણ ભેળવો અને બોતલમાં ભરો. સ્વાદિષ્ટ શરબત તૈયાર છે.

ગાજર-ટામેટાંનો પુલાવ

સામગ્રી :
ચોખા - દોઢ કપ,
ગાજર - ૨ નંગ,
સમારેલાં ટામેટાં - ૨ નંગ,
તમાલપત્ર - ૧ નંગ,
તજ - નાનો ટુકડો,
એલચા - ૨ નંગ,
સમારેલું આદું - નાનો ટુકડો,
નાની ડુંગળી - ૭-૮,
લીમડો - ૬-૭ પાન,
કિશમિશ - ૨ ચમચી,
મરીનો પાઉડર - અડધી ચમચી,
ટામેટાંની પ્યોરી - ૧ કપ,
લીંબુનો રસ - ૧ ચમચી,
સમારેલી કોથમીર - ૨ ચમચા,
મીઠું - સ્વાદ મુજબ
રીત :
ચોખાને અડધા કલાક સુધી ત્રણ કપ પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ નિતારીને એક તરફ રહેવા દો. નોનસ્ટિક પેનને ગરમ કરી તેમાં તમાલપત્ર, તજ અને એલચાને કોરા જ શેકો. પછી તેમાં આદું, સમારેલી ડુંગળી, ટામેટાં, સમારેલાં ગાજર અને મીઠું નાખી બે-ત્રણ મિનિટ સુધી સાંતળો. ત્રણ કપ પાણી રેડીને હલાવો. તે ઊકળે એટલે તેમાં લીમડો, પલાળેલા ચોખા, કિશમિશ, મરી અને ટામેટાંની પ્યોરી ઉમેરી હળવે હળવે સતત હલાવતાં રહો. લીંબુનો રસ અને સમારેલી કોથમીર મિકસ કરો. ઢાંકીને આંચ ધીમી કરી પુલાવ તૈયાર થાય ત્યાં સુધી રહેવા દો. ગરમ જ સર્વ કરો.

બુંદીના લાડુ

સામગ્રી :
તળવા માટે શુધ્ધ ઘી,
પ૦૦ ગ્રામ ચણાનો લોટ,
એક કીલો ખાંડ,
થોડી એલચી,
૧૦૦ ગ્રામ કાજુ,
બદામ અને પીસ્‍તાના ટૂકડા,
૨૦-૨પ ચેરી,
ચપટી કેસર,
ચાંદીનો વરખ.
રીત :
લોટમાં એક ચમચો ઘી નાખી તેનું બુંદી બને તેવું પાણી નાખી ખીરું બનાવી ૩-૪ કલાક રાખી મુકવું. ખાંડની ચાસણી બનાવવી. તેમાં કેસર નાખીને બાજુમાં રાખી મૂકવી. ઘી ને ગરમ કરી તેની અંદર ઝારા વડે બુંદી બનાવવી.
બુંદીને ઘી માંથી કાઢીને ગરમ ચાસણીમાં નાખીને થોડો સમય રહેવા દેવી, બાદમાં બુંદીને ચાસણી માંથી કાઢી લેવી. બુંદી થોડી ઠંડી પડ્યા બાદ તેમાં કાજૂ, બદામ અને પીસ્‍તાના ટૂકડાને નાખી ને બરોબર મીશ્રણ કરવી.
બાદમાં થોડી-થોડી બુંદી લઇ તેની વચ્‍ચે ચેરીને રાખી લાડુ બનાવવા. તૈયાર લાડુ પર ચાંદીનો વરખ લગાવવો.

સુકામેવાનો શીરો

સામગ્રી (10 વ્યક્તિઓ માટે):
250 ગ્રામ બદામ,
250 ગ્રામ પિસ્તા,
250 ગ્રામ સુકી મલાઈ,
125 ગ્રામ માવો,
450 ગ્રામ ખાંડ,
3 ગ્રામ કેસર,
10 ગ્રામ નાની ઈલાયચી,
3 મોટી ચમચી ગુલાબજળ,
125 ગ્રામ દેશી ઘી.
વિધિ :
મલાઈને પાતળી લાંબી કાપી લો. માવાને હાથથી દબાવીને મોટી ચારણી વડે ચાળી લો. બદામ 8 કલાક પલાળીને છોલીને ધોઈ વાટી લો. વાટતી વખતે પાણી બધુ નિતારી લો, અને વાટતી વખતે પાણી ન નાખો.
પિસ્તાને પણ આવી જ રીતે છોલીને વાટી લો. ઘી માં બદામને ધીમી ગેસ પર સેકો, જ્યારે પાણી સૂકાય જાય ત્યારે તેમાં પિસ્તા નાખીને સેકો. જ્યાં સુધી સેકવાની સુંગંઘ ન આવે ત્યાં સુધી સેકો. હવે તેમાં માવો નાખીને 4-5 મિનિટ વધુ સેકો.
પછી મલાઈ નાખીને 4-5 મિનિટ સેકો, જ્યારે સુગંધ આવે ત્યારે કે સુકાય જાય ત્યારે ઉતારીને તેમાં ઈલાયચીનો પાવડર, ગુલાબજળમાં ઓગાળેલી કેસર ભેળવી દો. ખાંડની બે તારની ચારણી બનાવી લો, તેમા મેવા નાખીને પરોસો.

આલુ ટિક્કી ચાટ

સામગ્રી :
પેટીસ માટે
બટાકા - ૪ નંગ મોટા,
મીઠું - સ્વાદ મુજબ,
તેલ - સાંતળવા માટે
સ્ટફિંગ માટે
અડદની પલાળેલી દાળ - ૧ કપ,
સમારેલાં લીલાં મરચાં - ૨ નંગ,
સમારેલું આદું - નાનો ટુકડો,
મરચું - અડધી ચમચી,
સમારેલી કોથમીર - ૧ ચમચો,
મીઠું - સ્વાદ મુજબ
ટોપિંગ માટે (એક ભાગ),
દહીં - પા કપ,
લીલી ચટણી - અડધો ચમચો,
આંબલીની ગળી ચટણી - ૨ ચમચા,
શેકેલા જીરાનો પાઉડર - પા ચમચી,
ચાટ મસાલો - પા ચમચી,
મરચું - પા ચમચી,
સમારેલી કોથમીર - ૨ ચમચા,
પાપડીનો ભૂકો - થોડોક
રીત :
સ્ટફિંગ તૈયાર કરવા અડદની પલાળેલી દાળને એક બાઉલમાં લો. તેમાં સમારેલાં લીલાં
મરચાં, આદું, મરચું, મીઠું, કોથમીર નાખીને સારી રીતે મિકસ કરો. બાફેલા બટાકાના છૂંદામાં મીઠું ભેળવી તેમાંથી આઠ ભાગ કરો. લોઢી ગરમ કરો. હવે બટાકાનો એક ભાગ લઈ તેને હથેળી પર રાખી સહેજ દબાવો. તેની વચમાં દાળનું સ્ટફિંગ મૂકી ચારે બાજુથી કિનારી ભેગીકરી તેને ટિક્કીનો આકાર આપો. ત્યાર બાદ તેને મઘ્યમ આંચે બંને બાજુએ તેલ મૂકી આછાબ્રાઉન રંગની સાંતળી લો. જો બટાકાનું કવરિંગ ફાટી જતું હોય તો તેમાં સહેજ કોર્નફલોર મિકસ કરો. હવે ટિક્કીને પ્લેટમાં ગોઠવો. તેના પર ઠંડું દહીં લીલી ચટણી અને આંબલીની ગળી ચટણી રેડો. ઉપર શેકેલા જીરાનો પાઉડર, ચાટ મસાલો, મરચું અને સમારેલી કોથમીર ભભરાવો. છેલ્લે પાપડીનો થોડો ભૂકો ભભરાવી તરત જ સર્વ કરો.

ગોળ પાપડી

સામગ્રી -
ઘઉંનો લોટ 250 ગ્રામ,
250 ગ્રામ ગોળ,
100 ગ્રામ ઘી.
રીત -
ઘી ને વાસણમાં લઈ લોટ સાથે મિક્સ કરો. એક કઢાઈમાં આ લોટને સારી રીતે શેકો. લોટ સોનેરી રંગનો થાય કે તેમા ગોળના નાના ટુકડા કરી મિક્સ કરો. ગોળ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી શેકો. હવે એક થાળેમાં ઘી ચોપડી તેની પર પાથરી દો. ચપ્પુ વડે ચોસલા કરી રાખો. ઠંડુ થાય કે એક એક કરીન કાઢીને ભરી લો.

ફાડા લાપશી

સામગ્રી
1 વાટકી ઘઉંના ફાડા.
2-3 કપ પાણી,
150 ગ્રામ ખાંડ,
બે મોટી ચમચી ઘી,
એલચી, સુકામેવા એક મુઠ્ઠી.
રીત -
કઢાઈને ગેસ પર ગરમ કરગા મુકો. હવે તેમાં ઘી નાખી લાપસીના ફાડા સોનેરી રંગ થાય ત્યાં સુધી સેકો. બીજા ગેસ પર પાણીને ઉકાળવા મુકો. હવે ઉકાળેલુ પાણી આ સેકેલા ફાડામાં નાખો. હવે તેને ધીમા તાપે સેકાવો દો અને સતત હલાવતા રહો. 5 મિનિટ પછી તેમા ખાંડ નાખીને હલાવો અને બે-ત્રણ મિનિટ માટે ઢાંકી દો.
ખાંડનુ પાણી સારી રીતે સુકાય જાય ત્યાં સુધી સીઝવા દો. જ્યારે ઘી છુટુ પડવા માંડે ત્યારે સમજો કે લાપશી તૈયાર છે. હવે આમાં એલચી અને સુકોમેવા ઉમેરી ગરમા ગરમ સર્વ કરો.

ખજૂર પાક

સામગ્રી :
ખજૂર ૨૫૦ ગ્રામ,
કોપરા ખમણ ૫૦ ગ્રામ,
બદામ પીસ્‍તા ૨૫-૨૫ ગ્રામ,
માવો ૨૦૦ ગ્રામ,
ખાંડ ૧૦૦ ગ્રામ,
ઘી ૧૦૦ ગ્રામ
બનાવવાની વિધિ :
પ્રથમ તો ખજૂરને સરળ રીતે ધોઇને સાફ કરો. તેના ઠળિયા કાઢી લો અને તેનો માવો બનાવો કડાઇમાં ગરમ ઘી કરી માવાને શેકો. કોપરાના ખમણને અને ખજૂરના માવાને વારાફરતી શેકી લો. ત્‍યારબાદ તે બધી સામગ્રી સરખી રીતે ઠંડી પડતાં તેમાં ખાંડ અને બદામ પીસ્‍તાનો ચૂરો પણ ભેળવી દો. સરખી રીતે હલાવીને તેને ઘીવાળી થાળીમાં ઢાળી દો. ઠંડું પડતાં તેના કાપા પાડીને પીરસો અને ડબામાં ભરી દો.
તેને વધુ આકર્ષક બનાવવા માટે તેનાં રોલ વાળી ડ્રાયફ્રુટનાં ટુકડાંમાં રગદોળવાં.

વેશન ગટ્ટા

સામગ્રી :
૧૫૦ ગ્રામ ચણાનો લોટ,
૨ ચમચી લાલ મરચું,
૨ ચમચી ધાણાજીરું,
અડધી ચમચી હળદર,
૪ મોટા ચમચા તેલ,
૧૫૦ ગ્રામ દહીં,
ચપટી હિંગ, અડધી ચમચી જીરું,
૧ ચમચી ગરમ મસાલો,
૧ ચમચી આંબોળીયાનો પાવડર,
મીઠું સ્વાદ મુજબ.
રીત :
સૌ પ્રથમ ચણાના લોટમાં જરૂર પ્રમાણે મીઠું, મરચું, હળદર અને તેલનું મોણ દઈ લોટ બાંધવો. તેમાંથી લાંબા વાટા બનાવી, આ વાટા વરાળથી બાફવા. હવે દહીંને હૂંફાળું ગરમ કરી તેમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું અને મીઠું નાખી વલોવવું. ત્યારબાદ એક વાસણમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ-જીરાનો વઘાર કરવો. તેમાં મસાલાવાળું દહીં ઉમેરવું. દહીં ઉકળે એટલે તેમાં બાફેવા વાટાના નાના નાના ટુકડા કરી તેમાં નાખવાં. ધાણાજીરું, ગરમ મસાલો અને આંબોળીયાનો ભૂકો તેમાં નાખી, ગરમ ગરમ સર્વ કરવું.

પાંઉભાજી

સામગ્રી :
૩ નંગ કાચા કેળા,
૧૦૦ ગ્રામ લીલા વટાણા,
૧૦૦ ગ્રામ કોબીજ,
૧ નંગ કેપ્સીકમ,
૨૫૦ ગ્રામ વટાણા,
૨૫૦ ગ્રામ ટમેટા,
૩ મોટા ચમચા ઘી (ઘીના બદલે માખલ લઈ શકાય),
અડધી ચમચી જીરું,
ચપટી હિંગ,
૧ ચમચી લાલ મરચું,
૧ ચમચી ધાણાજીરું,
૧ ચમચી પાંઉભાજી મસાલો,
૩ ચમચી લીલા મરચાંની પેસ્ટ,
૧ નંગ લીંબુ,
ઝીણી સમારેલી કોથમીર (જરૂર પ્રમાણે),
અડધી ચમચી ચાટ મસાલો,
મીઠું સ્વાદાનુસાર,
પાંઉ જરૂર પ્રમાણે.
રીત :
સૌ પ્રથમ કાચા કેળાને છાલ સાથે બાફી લઈ, છાલ ઉતારી તેના નાના નાના ટુકડા કરો. કોબીજ અને કેપ્સીકમ પણ ઝીણા સમારવા. તેમાં વટાણા નાખી બધું બાફવું. હવે ટમેટાને ઝીણા સમારી એકબાજુ રાખવા. ત્યારબાદ એક વાસણમાં ઘી કે માખણ મૂકી તેમાં જીરું અને હિંગ નાખી લાલ મરચું, ધાણાજીરું અને પાંઉભાજી મસાલો ઉમેરવો. તેમાં ટમેટા નાખી હલાવવું. હવે બફાઈ ગયેલા બધા શાક, લીલા મરચાં અને મીઠું ઉમેરવું. જરૂર પ્રમાણે પાણી નાખી બરાબર મિકસ કરવું. તેમાં લીંબુનો રસ નાખી, કોથમીર ભભરાવી ઉતારી લો. હવે પાંઉને વરચેથી કાપી નોનસ્ટિક પર ઘી કે માખણ મૂકી, પાંઉને ઉપર નીચે શેકી લેવા. કોબીજ અને ટમેટા ઝીણા સમારી તેમાં મીઠું, મરચું, લીંબુ, કોથમીર તથા ચાટ મસાલો ઉમેરી બરાબર મિકસ કરવું. પાંઉ સાથે ગરમ ગરમ ભાજી સર્વ કરવી, સાથે કોબીજ- ટમેટાનું કચુંબર પીરસવું.

ખટ્ટમીઠી ઢોકળી

રોટલી, ભાખરી કે પૂરી આમાંથી જે હોય તેના મોટા ટુકડા કરવા. એક વાસણમાં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ, હળદર અને મરચાનો વઘાર કરવો. તેમાં છાશ નાખવી. ઉકળે એટલે તેમાં રોટલી, ભાખરી કે પૂરીના ટુકડા ઉમેરવા. ત્યારબાદ મીઠું, ખાંડ અને ગરમ મસાલો નાખવો. જરૂર પડે તો પાણી પણ ઉમેરવું.

પનોળીનાં દહીંવડાં

સામગ્રી :
સવા કપ ચોળાની દાળ,
૧ ચમચી વાટેલાં મરચાં,
અડધી ચમચી મરીનો ભૂકો,
પા ચમચી સાજીનાં ફૂલ,
ચપટી હિંગ,
દહીં જૉઈતા પ્રમાણમાં,
લાલ મરચું સ્વાદાનુસાર,
શેકેલું જીરું,
આંબોળીયાની ચટણી,
મીઠું સ્વાદાનુસાર.
રીત :
સૌ પ્રથમ ચોળાની દાળને ૨ થી ૩ કલાક પાણીમાં પલાળી, ત્યારબાદ પાણી નિતારી ક્રશ કરવી. હવે તેમાં મીઠું, મરચાની પેસ્ટ, મરીનો ભૂકો, સાજીનાં ફૂલ અને હિંગ નાખી બરાબર હલાવવું. તપેલીમાં પાણી ઉકળવા મૂકી, તેમાં તેલ લગાવેલી એક થાળી ગરમ કરવી. થાળી સહેજ ગરમ થાય એટલે તેમાં નાની નાની ગોળ પનેળી પાથરી, બફાવા દેવી. ૫ મિનિટમાં પનોળી બફાઈ જશે. ત્યારબાદ આ પનોળી ઉકળતા પાણીમાં નાખી, ૫ મિનિટમાં કાઢી લેવી. હવે દહીંને હૂંફાળું ગરમ કરી વલોવવું. ઠંડુ પડે પનોળી ઉપર નાખવું. ઉપર મીઠું, મરચું, શેકેલું જીરું ભભરાવવું. આંબોળીયાની ગળી ચટણી નાખી સર્વ કરો.

કેળાંના વડાં

સામગ્રી :
૫ નંગ કાચા કેળા,
૧ ચમચી વાટેલાં મરચાં,
૧ લીંબુ, ૧ ચમચી ગરમ મસાલો,
૧ ચમચી બૂરું ખાંડ,
૪ ચમચી લીલી કોથમીર,
અડધો કપ ચણાનો લોટ,
૧૦ થી ૧૨ નંગ દ્રાક્ષ,
૧ ચમચી લાલ મરચું,
અડધી ચમચી હળદર,
તેલ જૉઈએ તે મુજબ,
મીઠું સ્વાદાનુસાર.
રીત :
સૌ પ્રથમ કેળાની છાલ કાઢી લઈ, તેને મીઠાવાળા કરી ચાળણીમાં બાફવાં. બફાઈને ઠંડા પડે એટલે તેને મસળીને માવો બનાવવો. ત્યારબાદ તેમાં ઉપર જણાવેલો બધો જ મસાલો ઉમેરી બરાબર મિકસ કરી, તેમાંથી ગોળા બનાવવા. હવે ચણાના લોટમાં મીઠું, મરચું, હળદર અને ૧ ચમચી તેલ નાખીને જાડું ખીરું બનાવવું. હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી, કેળાંના ગોળા ખીરામાં બોળીને તળવા. ગરમ ગરમ વડાં ચટણી સાથે પીરસવાં.

સુખડી

સામગ્રી :
ચાર કપ ઘઉંનો લોટ (કરકરો),
બે કપ ગોળ (કઠણ હોય તો ચપ્પુથી છોલી નાખવો),
બે કપ ઘી, પ૦ ગ્રામ ટોપરાનું ખમણ,
પ૦ ગ્રામ કાજુ-બદામની કતરણ.
રીત :
લોટને ઘી માં નાખી બ્રાઉન થાય ત્‍યાં સુધી શેકો. લોટ શેકાઇ જાય ત્‍યારે તાપ પરથી ઉતારી તેમાં ખમણ અને ગોળ નાખી મિક્સ કરો. ગોળ તથા ખમણ બરોબર મિક્સ થઇ જાય ત્‍યારે થાળીમાં પાથરી દો. ઉપરથી કાજુ-બદામ નાખી મનપસંદ આકારમાં કાપા પાડી લો. ગરમ અથવા ઠંડી થાય ત્‍યારે ઉપયોગ કરો.

મોહનથાળ

સામગ્રી :
૧ કપ ચણાનો કગરો(જાડો) લોટ,
૧ કપ ખાંડ, ૧ કપ ઘી,
૫૦ ગ્રામ માવો,
૧ ચમચી બદામ પીસ્તાની કતરી,
ચાંદીનો વરખ, થોડુ કેસર,
થોડી ઈલાયચી વાટેલી.
રીત:
૧ થાળીમાં ચણાનો લોટ લઈને વચ્ચે ખાડો કરી ૧ ચમચી દૂધ મૂકી પાંચ મિનીટ ઢાંકી દો અને પછી તેને ચાળે લો.
એક તપેલીમાં ખાંડ લઈ તેમાં ડૂબે એટલું પાણી લઈ ચાસણી કરવા ધીમા તાપે ગેસ પર મૂકો. પાણી ઉકળે એટલે તેમાં ૨ ચમચી દૂધ નાખો જેથી ખાંડનો કચરો ઉપર આવી જશે. આ કચરો કાઢી નાખો. જ્યારે થાળીમાં ટપકુ પાડો ને એ ટપકુ રેલાય નહી ત્યારે સમજવુ કે ચાસણી થઈ ગઈ છે. તેમાં કેસર ઈલાયચીનો ભૂકો ઉમેરો. પછી તેને ગેસ પરથી ઉતારી લો. એક તવામાં ઘી ગરમ કરવા મૂકી એમાં ચાળેલો ચણાનો લોટ ધીમા તાપે શેકો. ધીરે ધીરે ગુલાબી થવા માંડશે. ઘેરો ગુલાબી થતા તેમાં માવો ઉમેરો અને પાંચ દસ સેકંડ માટે શેકો અને પછી ગેસ પરથી નીચે ઉતારી તેમાં ગરમ ચાસણી ઉમેરી હલાવતા રહેવું. જ્યારે તે ઠરવા લાગે ત્યારે થોડું ઘી લગાડી તૈયાર રાખેલી થાળીમાં પથરવું. તેની પર તરત જ બદામ પીસ્તાની કતરી પાથરી ન દેવી નહીં તો તેમા ચોંટશે જ નહી. ત્યારબાદ તરત જ તેની ઉપર ચાંદીનો વરખ પાથરી દેવો.ઠંડુ પડતા ચોસલા પાડી દેવા.સ્વાદિષ્ટ મોહનથાળ તૈયાર.

તલની ચીકી

સામગ્રી :
તલ (શેકેલા) ૨૫૦ ગ્રામ,
ગોળ ૨૦૦ ગ્રામ,
કાજુ ૨૫ ગ્રામ,
ઘી ૧૫ ગ્રામ
બનાવવાની વિધિ :
પ્રથમ તલને સાફ કરીને શેકી લો. તાપ ધીમો રાખવો. ત્યાલરબાદ ઘી ગોળનો પાયો કરવો. તે તૈયાર થઇ ગયા બાદ તેમાં શેકેલાં તલ અને કાજુનાં ટુકડા નાંખી ઝડપથી હલાવવું. તેને લાડુના રૂપે વાળી લો કે નીચે તેલ લગાવી ઢાળી દો. વણી લો. પછી તેનાં ટુકડા કરીને ડબામાં ભરો બાળકો માટે વિવિધ ચીકીઓ લાભપ્રદ છે.


મસાલા દાળવડા

સામગ્રી :
150 ગ્રામ નારિયેળ છીણ
150 ગ્રામ સીંગદાણા
400 ગ્રામ ચણાદાળ
100 ગ્રામ ચણાનો લોટ
વાટેલ આદું-મરચાં, કોથમીર, હળદર,
ગરમ મસાલો, ખાંડ, દ્રાક્ષ, મરચું,
લીંબુ, તલ, મીઠું.
રીત :
સૌ પ્રથમ સીંગદાણાને રાત્રે ગરમ પાણીમાં પલાળો. સવારે છોડા કાઢી તેમાં નારિયેળનું છીણ, વાટેલ-આદું-મરચાં, કોથમીર નાખી બધું વાટો. તેમાં ખાંડ, દ્રાક્ષ, લીંબુનો રસ, મીઠું નાખી તેના ગોળા વાળો. ચણાની દાળને રાત્રે પાણીમાં પલાળી સવારે વાટી, તેમાં મીઠું, હળદર, મરચું, ગરમ મસાલો, ચણાનો લોટ અને તેલનું મોણ નાખી, તેને ફીણી સાધારણ જાડું ખીરું તૈયાર કરો. કઢાઈમાં તેલ ગરમ થાય એટલે ચણાના ખીરામાં તૈયાર કરેલ ગોળા બોળી, બદામી રંગના થાય તેમ તળી લો.

રાઈસ વિટામિન બિન્‍સ બોલ

સામગ્રી :
ચોખા ૨૫૦ ગ્રામ
માખણ ૫૦ ગ્રામ
ચીઝ ૫૦ ગ્રામ
મેંદો અડધો કપ
મીઠું, આદું-મરચાંની પેસ્‍ટ.
ભરવાનો મસાલો :
મગ ૫૦ ગ્રામ
મઠ ૫૦ ગ્રામ
ચોખા ૨૫ ગ્રામ
વાલ ૨૫ ગ્રામ
સોયાબીન ૨૫ ગ્રામ
વટાણા ૨૫ ગ્રામ
ચણા ૨૫ ગ્રામ
કાબુલી ચણા ૨૫ ગ્રામ
લીલી ખોપરાનું ખમણ અડધી વાટકી
તેલ, આદું-મરચાંની પેસ્‍ટ,
તજ-લવિંગનો ભુક્કો,
કોથમીર, ફુદીનો,
એક લીંબુ, હળદર, મીઠું.
રીત :
ચોખાને ધોઈ, અડધો કલાક પલાળવા. પ્રમાણસર પાણી અને મીઠું નાખી ભાત રાંધવા. એમાં છીણેલું ચીઝ, માખણ, મેંદો, મીઠું, આદું-મરચાંની પેસ્‍ટ મિકસ કરવું. બધાં કઠોળને રાત્રે પલાળી, બાફી, પાણી નિતારી લેવું. નોનસ્ટિકમાં તેલ ગરમ કરી, આદું-મરચાં, તજ-લવિંગની પેસ્‍ટ સાંતળવી. બધાં કઠોળ મિકસ કરી ખોપરાનું ખમણ નાખી ૧૦-૧૨ મિનિટ હલાવતા રહેવું. ભચકા જેવું થાય એટલે ઠંડું પાડી નાના ગોળા વાળવા. હથેળી પર ચોખાનું મિશ્રણ લગાડી, કઠોળનો બોલ મૂકો. બરાબર ગોળા વાળવા અને મેંદાની પેસ્‍ટમાં બોળી ગરમ તેલમાં તળવા. ગ્રીન ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરવું.

મેથી પાલક ભજિયાં

સામગ્રી :
૧ કપ ભાત,
૧/૩ કપ ચણાનો લોટ,
૧/૨ કપ પાલક સમારેલી,
૧ ડુંગળી ચોરસ સમારેલી,
૧ ઈંચ આદું ઝીણું સમારેલું,
૧ ૧/૨ ચમચી મીઠું,
૧ ચમચી લાલ મરચું,
૧ ચમચી ગરમ મસાલો.
૧ ૧/૨ ચમચી દાડમના દાણા,
તળવા માટે તેલ.
રીત :
ભાતને હાથથી બરાબર મસળી લો. બાકીની બધી સામગ્રી સારી રીતે ભેળવો. ગરમ તેલમાં ગોળ-ગોળ ભજિયાં તળીને ચટણી સાથે પીરસો.

લીલો ચેવડો

૬-૮ વ્‍યક્તિ માટે.
સામગ્રી :
૨૦૦ ગ્રામ પાલક,
૧/૨ કપ મેંદો,
૧/૨ કપ ચણાનો લોટ,
૧/૨ કપ સીંગદાણા,
૧ કપ પૌંઆ,
૧/૨ પ્‍યાલો લીલા સૂકા વટાણા,
૧/૨ કપ કાબુલી ચણા,
ચમચી ખાવાનો સોડા,
૫-૬ લીલાં મરચાં,૧ ચમચી જીરું,
૧ ચમચો તલ,૧/૪ સૂકું કોપરું,
૨ ચમચા કિસમિસ,૧૫-૨૦ કાજુ,
૧ ચમચી મીઠું,૧ ચમચી ખાંડ,
તળવા માટે જરૂરી તેલ.
રીત :
૧૦૦ ગ્રામ પાલક ધોઈને વાટી નાખો. પછી તેમાંથી અડધી પાલક, ૧ ચમચો તેલ, થોડું મીઠું અને મેંદો ભેગાં કરી લોટ બાંધી દો.બાકી વચેલી અડધી પાલકમાં ૧ ચમચો તેલ, થોડું મીઠું અને ચણાનો લોટ નાખી કઠણ લોટ બાંધી નાખો.લીલા વટાણા અને કાબુલી ચણાને જુદા જુદા વાસણમાં ખાવાના સોડા નાખેલા પાણીમાં ૬-૭ કલાક સુધી પલાળી રાખો. પછી તેમને બરાબર ધોઈ નાખી કપડા પર નાખી સૂકવી દો.કોપરાની લાંબી પાતળી ચિપ્‍સ કાપો. લીલાં મરચાં લાંબા પાતળાં કાપો. મેંદાવાળા લોટનો ૧/૨ સે. મી. જાડો રોટલો વણી એના શક્કરપારા કાપી ધીમી આંચે તળી નાખો.ચણાના અડધા લોટને વણીને એના લાંબા પાતળા ટુકડા કાપી તળી નાખો. બાકી બચેલા લોટમાં પાણી ભેળવી એની બુંદી તળી નાખો. ચણા, વટાણા, પૌઆ અને સીંગદાણા પણ તળી નાખો. વધેલી આખી પાલકનાં પાન પણ ગરમ તેલમાં કરકરા તળી નાખો. કોપરું, તલ અને લીલાં મરચાં ૧/૨ ચમચી તેલમાં શેકી નાખો. બધા મસાલા અને બીજી વસ્‍તુઓ મિક્સ કરો. લીલો ચેવડો તૈયાર છે.

ત્રણ દાળનાં દહીંવડા

સામગ્રી :
વડા માટે :
મગની મોગર દાળ - પોણો કપ,
અડદની ફોતરાં વિનાની દાળ - પા કપ,
ચણાની દાળ - ૨ ચમચા,
લીલાં મરચાંની પેસ્ટ - અડધી ચમચી,
મીઠું - સ્વાદ મુજબ,
તેલ - તળવા માટે
સર્વ કરવા માટે :
વલોવેલું ઠંડું દહીં - અઢી કપ,
સિંધાલૂણ - અડધી ચમચી,
આંબલીની ચટણી - અડધો કપ,
લીલી ચટણી - અડધો કપ,
મરચું - ૧ ચમચી,
શેકેલા જીરાનો પાઉડર - ૧ ચમચી,
મીઠું - સ્વાદ મુજબ
કીસમીસ, કોથમરી ડેકોરેશન માટે.
રીત :
ત્રણે દાળને ત્રણ-ચાર કલાક પલાળી રાખો. તેને નિતારીને થોડું પાણી લઈ ગ્રાઈન્ડ કરી અધકચરી પેસ્ટ બનાવો. તેમાં મીઠું અને લીલાં મરચાંની પેસ્ટ ઉમેરી હાથથી ખૂબ મિકસ કરી મિશ્રણને ફીણો. ઠંડા દહીંને એક મુલાયમ કપડામાં કાઢી તેની પોટલી વાળી સહેજ દબાવી પાણી નિતારી નાખો. પછી દહીંને એક બાઉલમાં કાઢો. એક કડાઈમાં તેલ ગરમ કરો. દાળના ખીરામાંથી એક ચમચો ખીરું લઈ તેલમાં તળો અથવા ભીની આંગળીઓથી ખીરામાંથી વડા તળો. દહીંમાં મીઠું અને સિંધાલૂણ મિકસ કરો. વડાને તળી નવશેકા પાણીમાં બે-ત્રણ મિનિટ પલાળો. પછી તેને બહાર કાઢી દબાવીને વધારાનું પાણી નિતારી લઈ તેને દહીંમાં બોળો. ઉપર આંબલીની ચટણી, લીલી ચટણી, મરચું, શેકેલા જીરાનો પાઉડર ભભરાવી સર્વ કરો.

રાઈસ વડા

સામગ્રી :
ચોખાનો લોટ - ૨ કપ,
વરિયાળી - ૨ ચમચા,
મેથી - ૧ ચમચો,
ડુંગળી (છીણેલી) - ૧ નંગ,
મીઠું - સ્વાદ મુજબ,
તેલ - તળવા માટે
રીત :
સવા કપ પાણીમાં મેથી અને વરિયાળી નાખી તેની સુગંધ આવે ત્યાં સુધી ઉકાળો. તેને ગાળી લઈને ફરી પાણી ગરમ કરો તથા મીઠું ભેળવો. તેમાં ચોખાનો લોટ નાખીને તેને હલાવીને કિનારીએ લોટ ચોંટે નહીં ત્યાં સુધી રહેવા દો. પછી એક બાઉલમાં કાઢી ડુંગળીની છીણ મિકસ કરો. હાથને સહેજ તેલવાળા કરી લોટમાંથી એકસરખા લુઆ બનાવો. પછી સહેજ દબાવીને વડાનો આકાર આપો. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં વડાને તળી લો. તેને એબ્સોર્બન્ટ પેપર પર કાઢી ગરમ સર્વ કરો. આ વડાને તમે ગ્રીઝપ્રૂફ પેપર પર પણ બનાવી શકો. પેપર પર સહેજ તેલ લગાવીને તેના પર લોટના ગોળા વાળીને ગોઠવો. તેના પર બીજો પેપર ઢાંકીને વડાને વેલણ અથવા હથેળીથી દબાવો. તે પછી ઉપર ઢાંકેલો પેપર કાઢી નાખી વડાને તળી લો.

શક્કરપારા

સામગ્રી :
1 કપ ઘઉંનો લોટ,
અડધો કપ રવો,
અડધો કપ મેંદો,
મોવણ માટે અડઘો કપ ઘી,
દુઘ, એક ચમચી એલચી પાવડર,
એક કપ બારીક પીસેલો ગોળ અને ઘી.
વિધિ :
લોટ, રવો, મેંદાને ભેળવીને ચાળી લો. તેમાં મોણ તથા એલચીનો પાવડર ભેળવી દો. એક કપમાં પીસેલો ગોળ ઓગાળી દો અને દુઘ સાથે લોટને બાંધી લો. 5 મિનિટ સુધી તેને ઢાંકીને રાખો. મોટી રોટલી વણો તથા મનપસંદ આકારમાં શકરપારામાં કાપી લો. ધીમા તાપે તેને સોનેરી તળી લો. ઠંડુ થયે ખાવો અને મિત્રોને ખવડાવો.

બાજરીના દહીંવડાં

સામગ્રી :-
૩ વાટકી બાજરીનો લોટ,
૧ ટે. સ્‍પૂન મેથિયાનો મસાલો,
૧ટે.સ્‍પૂન વાટેલા આદુંમરચાં ને લસણ,
મીઠું જરૂર પ્રમાણે,
૧ચમચી મરચું,
ચપટી હિંગ,
૧ટે. સ્‍પૂન મોણ માટે તેલ,
મોળું દહીં ૫૦૦ગ્રામ,
૩ ચમચા દળેલી ખાંડ,
થોડી કોથમીર, મીઠું,
મરચું અને શેકેલું જીરું,
તળવા માટે તેલ,
૧ચમચો ખાટું દહીં લોટ પલાળવા માટે.
રીતઃ-
બાજરીના લોટને એક વાસણમાં કાઢી, તેમાં મીઠું, મરચું, આદું – મરચાં – લસણ વાટેલાં, હિંગ અને તેલનું મોણ દઈ, દહીં નાખી મેથિયાનો મસાલો ભેળવી, વડાં થેપી શકાય એવો લોટ તૈયાર કરવો, પાણી રેડવું અને બે કલાક લોટ ઢાંકી રાખવો. હવે દહીં વલોવી લેવું, ને એમાં મીઠું અને ખાંડ નાખી હલાવીને બાજુ પર રાખવું. બને ત્‍યાં સુધી દહીંમાં પાણી રેડવું નહીં. હવે તેલ ગરમ કરવા મૂકવું. તાપ મધ્‍યમ રાખવો. તેલ આવે એટલે પાણીવાળો હાથ કરી લોટમાંથી લુવો લઈ. થેપીને વડાં ઉતારો. એક થાળીમાં ગોઠવીને ઉપર દહીંનું ઘોળવું રેડી ઉપર પ્રમાણસર મરચું – અને જીરું પાઉડર નાખી, કોથમીરથી સજાવો. આ વડાં એકલા તળેલાં પણ ખાઈ શકાય છે. ને દહીં નાખીને પણ લઈ શકાય છે. ઉપરાંત સ્‍વાદિષ્‍ટ બને છે.
ખાસ નોંધઃ-
આ વડાંને પાણીમાં પલાળવા નથી પડતા કેમ કે, બાજરી બહુ સોફ્ટ હોય છે. વડાં ફૂલશે તો ખરા, પણ ના ફૂલે તો બહુ જ થોડા, એટલે કે ચપટી સાજીના ફૂલ નાખી શકાય.

બ્રેડ દહીંવડાં

સામગ્રી :
૮ બ્રેડ સ્‍લાઈસ ગોળ કાપેલી,
૨ વાટકી ઘટ્ટ દહીં,
૧ કપ વટાણા બાફેલા,
૫૦ ગ્રામ પનીર,
૧/૨ ચમચી ગરમ મસાલો,
૧/૨ ચમચી શેકેલું જીરું,
૧/૨ ચમચી લાલ મરચું,
મીઠું અને સંચળ સ્‍વાદ મુજબ.
રીત :
જો દહીં ઘટ્ટ ન હોય તો ચાળણીમાં રાખી મૂકો. એનાથી દહીંનું પાણી નિતરી જશે. દહીંને બરાબર વલોવી લો. પનીર અનેવટાણામાં બધાં મસાલા મિક્સ કરો. બ્રેડ હળવેકથી પાણીમાં પલાળી નિચોવીને એની પર તૈયાર મસાલો ભરો. ઉપર બીજી બ્રેડ મૂકો. દહીંમાં મીઠું મિક્સ કરી એમાં બ્રેડ સારી રીતે ડિપ કરી પ્‍લેટમાં મૂકો. ચટણી સાથે સર્વ કરો.
નોંધ :
જો ઘરમાં વટાણા, બટાકાં કે પનીરનું રસા વગરનું શાક હોય તો તેને પણ તમે ભરી શકો છો.

ટામેટાંનો મુરબ્‍બો

સામગ્રી : ૩ પાકાં ટામેટાં, ૧/૪ કપ કિસમિસ, ૧ લીંબુ (સ્‍લાઈસ કરેલું), ૧ કપ ખાંડ.
રીત : ટામેટાંની છાલ કાઢીને સ્‍લાઈસ કરો. લીંબુની પાતળી સ્‍લાઈસ સમારો અને બી કાઢી લો. હવે એક પેનમાં પહેલાં ટામેટાં પછી લીંબુ અને ખાંડનું લેયર કરો. ગેસ પર મૂકો. એક ઊભરો આવી જાય પછી આંચ ધીમી કરો. પછી મિશ્રણ ઘટ્ટ થવા દો.

ગાજર અને સંતરાનો મુરબ્‍બો

સામગ્રી : ૬ ગાજર, ૩ સંતરા, ૧ લીંબુ, ૧/૨ ચમચી લીંબુની છાલ. ૧ કપ ખાંડ.
રીત : ગાજરને ધોઈને સમારો અને પાણીમાં નરમ થાય ત્‍યાં સુધી ઉકાળો. સંતરાની છાલ કાઢો અને ચીરીની પણ છાલ કાઢીને નાના નાના પીસ કરો. હવે ગાજર, સંતરાના પીસ, લીંબુનો રસ, લીંબુની છાલ અને ખાંડને એક પેનમાં મિક્સ કરો. આ મિશ્રણને ઉકાળો અને સિમર થવા દો. મિક્સર ક્લિયર થઈ જાય પછી જારમાં ભરો.

આમળાનો મુરબ્‍બો

સામગ્રી: ૧ કિલોગ્રામ આંબળાં, ૫૦૦ મિલી પાણી, ૧ ૧/૨ કિલોગ્રામ ખાંડ, ૪ ગ્રામ સાઈટ્રિક એસિઙ
રીત : આંબળા ધોઈને, લૂછીને કોરા કરો અને પાણીમાં નાખીને એમાં કાણાં પાડીને ૧૦ ૧૨ મિનિટ સુધી ઊકળવા દો. પાણી નિતારી લો અને તાજું પાણી ભરીને એક દિવસ માટે રાખી મૂકો. બીજા દિવસે ફરી પાણી કાઢી લો અને તાજું પાણી ભરો.
ત્રીજા દિવસે ફરી એ પાણી ફેંકીને નવું પાણી ભરો. એમાં બે ગ્રામ સાઈટ્રિક એસિડ અને ખાંડ નાખી ઉકાળો. ઊભરો આવી જાય પછી ચાળી લો અને ચાળેલી ચાસણીમાં આંબળા નાખીને ૧૫-૧૬ મિનિટ સુધી ઉકાળો પછી આખી રાત રહેવા દો. બીજા દિવસે ફરી ઉકાળો અને એક તારની ચાસણી બનાવો. ઢાંકી આખી રાત રહેવા દો અને બીજા દિવસે એટલું ઉકાળો કે ચાસણી ઘટ્ટ થઈ જાય. ઠંડો કરીને મુરબ્‍બો બરણીમાં ભરો.

મસાલેદાર અથાણું

સામગ્રી :
૨ કાકડી (મધ્‍યમ આકારની), ૧ નાની સાકરટેટી, ૧ કાચી કેરી, ૧ ૧/૨ મોટી ચમચી આખો ગરમ મસાલો. (લવિંગ, તજ, મરી, એલચો) ૧/૨ કપ પાણી, ૧ કપ ખાંડ, ૨ નાની ચમચી સંચળ, ૩/૪ કપ સરકો.
રીત :
કાકડી, સાકરટેટી અને કાચી કેરીની છાલ ઉતારીને જુદા જુદા આકારના ટુકડા કરો. ખાંડ, પાણી, સરકો, મિક્સ કરીને એક ઊભરો આવે ત્‍યાં સુધી ઉકાળો. તેમાં આખા ગરમ મસાલા નાખી ધીમા તાપે ૮-૧૦ મિનિટ સુધી રહેવા દો. પછી મીઠું અને બધા ટુકડા નાખી મિશ્રણને બરાબર હલાવી ૧૦ મિનિટ ઢાકીને આંચ ઉપર રહેવા દો. પછી આંચ પરથી નીચે ઉતારી લો. મસાલેદાર અથાણાંનું મિશ્રણ ઠંડુ થાય પછી કાચની બરણીમાં ભરીને એર ટાઈટ ઢાંકણું બંધ કરી દો. ૧ દિવસ ઠંડકમાં રાખી મૂકો. ચટપટું અથાણું ખાવાલાયક તૈયાર છે.

સોયાબીન સેલડ

સામગ્રી :
૧ વાટકી નાના કદના સોયાબીન, ૧/૨ વાટકી વટાણા, ૧ ટામેટું, ૨-૩ લીલાં મરચાં, ૧/૨ ચમચી? છીણેલું આદું, મીઠું તથા મરી સ્‍વાદ મુજબ, ૩-૪ કાકડી, ૧ લીંબુ.
રીત :
સોયાબીન તથા વટાણામાં મીઠું અને મરી નાખીને ઓછા પાણીમાં તે પોચા પડે ત્‍યાં સુધી બાફી લો. હવે તેમાં ટામેટું અને લીલાં મરચાં સમારીને મિક્સ કરો. છીણેલું આદું અને લીંબુનો રસ પણ વટાણાના મિશ્રણમાં મિક્સ કરો. કાકડીને ધોઈ વચ્‍ચેથી તેનો માવો કાઢી તેને પોલી કરી નાખો. તેને ઝીણી ઝીણી સમારીને વટાણાના મિશ્રણમાં મિક્સ કરો. હવે કાકડીના પોલા ભાગમાં બધું મિશ્રણ ભરીને આ સેલડ સર્વ કરો.

મગ-કિસમિસ સેલડ

સામગ્રી :
૧ કપ રાતભર પલાળેલા મગ, ૧/૪ કપ પલાળેલી કિસમિસ, ૧ ચમચો શેકેલી શિંગ (ખાંડેલી), ૧ મોટું ગાજર, ૨ ચમચા સમારેલી કોથમીર, ૧ ચમચી મધ, ૧ ચમચી શેકેલું જીરું, ૨ લીંબુનો રસ, મીઠું સ્‍વાદ મુજબ, ચપટી બૂરું ખાંઙ
રીત :
એક બાઉલમાં લીંબુનો રસ, મધ, શેકેલું જીરું, મીઠું અને ખાંડ મિક્સ કરીને ડ્રેસિંગ તૈયાર કરો. ગાજર છોલીને ધોઈ નાખો. તેની લાંબી પાતળી ચીરી કરો. મગને સ્‍ટીમ કરો. એક બાઉલમાં મગ, ગાજર, કિસમિસ અને શિંગને સારી રીતે મિક્સ કરો. તેમાં ડ્રેસિંગ નાખીને સારી રીતે મિક્સ કરો. ઠંડુ સેલડ પીરસો.

સલાડ સુપ્રીમ

સામગ્રી :
૧ કપ ફણગાવેલા મગ, ૧ કપ બાફેલા કાબુલી વટાણા, ૧/૨ કપ સમારેલી કાકડી, ૧ સમારેલું સફરજન, ૧ છોલેલી નારંગી, ૧/૨ કપ દ્રાક્ષ, ૧/૨ કપ બાફીને સમારેલાં બટાકાં, ૧ સમારેલું ટામેટું, ૧/૨ કપ સમારેલ કોબીજ, ૧ કપ દહીં, ૨ ચમચા ક્રીમ, ૧/૨ ચમચી મરી, ૧/૨ ચમચી મીઠું.
રીત :
દહીંને કપડામાં બાંધીને ૧/૨ કલાક સુધી લટકાવી રાખો. તેમાંથી જ્યારે બધું જ પાણી નીતરી જાય ત્‍યારે તેમાં ક્રીમ, મીઠું અને મરી નાખીને સારી રીતે ફીણી લો. તેમાં બધાં જ શાકભાજી અને ફળ, વટાણા, મગ નાખીને ઠંડા કરીને પીરસો.

પંચરંગી સેલડ

સામગ્રી :
૧ મોટું કેપ્સિકમ, ૪ મોટાં ટામેટાં, ૧૦૦ ગ્રામ પનીર, ૨ મોટી ડુંગળી, ૨ સ્‍લાઈસ અનાનસ.
ડ્રેસિંગ માટેની સામગ્રી :
૨ મોટા ચમચા તેલ, ૧ ચમચો સરકો, ૧ ચમચી શેકેલું જીરું, ૧ ચમચી વાટેલા મરી, ૧ ચમચી ચાટ મસાલો.
રીત :
પનીર, ટામેટાં, કેપ્સિકમ અને અનાનસના ચોરસ ટુકડા કરો. તેલ સહેજ ગરમ કરી તેમાં ચાટ મસાલા સિવાય બધા મસાલા નાખો. સાથે બધી સમારેલી વસ્‍તુઓ પણ નાખો. એક સળિયા પર પનીર, ટામેટું, કેપ્સિકમ, અનાનસની સ્‍લાઈસ લગાવીને ઠંડું સેલડ પીરસો.

રીંગણનું સેલડ

સામગ્રી :
૨ મોટાં રીંગણ, ૧/૨ કપ દહીં, ૧ ચમચી લીંબુનો રસ, ૧ ચમચો ખાંડેલી શિંગ, ૧ ચમચો કોથમીર સમારેલી, મીઠું અને મરી સ્‍વાદાનુંસાર.

રીત :
રીંગણ ધોઈને વચ્‍ચેથી બે ભાગમાં કાપો. દરેક ભાગમાંથી સ્‍કૂપ વડે વચ્‍ચેથી ગર કાઢો, પણ રીંગણનું એક સે.મી. જેટલું જાડું પડ રહેવા દો. તેને ચીકણું કરી સ્‍ટીમ કરો. રીંગણના માવાને પકાવો અને મસળી નાંખો. તેમાં દહીં, લીંબુનો રસ, મીઠું-મરી મિક્સ કરો. આ તૈયાર મિશ્રણને ખાલી રીંગણમાં ભરો અને છેલ્‍લે કોથમીરથી સજાવીને પીરસો.

બટાકાનું ક્રીમી સેલડ

સામગ્રી :
૬ શેકેલાં બટાકાં, ૨ મોટા ચમચા કિસમિસ, ૨ મોટા ચમચા દાડમના દાણા, ૧ કપ ઘટ્ટ દહીં, ૧ ચમચો ક્રીમ, ચપટી પાર્સલે, મીઠું અને મરી સ્‍વાદાનુસાર.
રીત :
બટાકાંને ઓવનમાં શેકી લો. દહીં અને ક્રીમ એકબીજા સાથે મિક્સ કરો. તેમને બરાબર ફીણી નાખો. બટાકાંનાં ગોળ પતીકાં કરો. દરેક ટુકડાંને દહીં-ક્રીમમાં ડિપ કરી ડિશમાં સજાવો. તેમાં કિસમિસ અને દાડમના દાણા નાખો. મીઠું મરી અને પાર્સલે નાખી ઠંડું સેલડ પીરસો.

પપૈયાનું સેલડ

સામગ્રી :
૨ કપ કાચું પપૈયું (છીણેલું), ૧ ટામેટું ઝીણું સમારેલું, ૨ ચમચા શેકેલી શિંગ (ખાંડેલી), ૧ લીલું મરચું (બી કાઢીને સમારેલું), ૧ ચમચો ઝીણી સમારેલી કોથમીર.
ડ્રેસિંગ માટેની સામગ્રી : મીઠું, ખાંડ, લીંબુનો રસ, મરચું.
રીત :
પપૈયાને એક મિનિટ સ્‍ટીમ આપો. પછી ચારણીમાં મૂકી પાણી નિતારી લો. બધી વસ્‍તુઓ સારી રીતે મિક્સ કરો. ઉપર ડ્રેસિંગની સામગ્રી મિક્સ કરી સેલડ ડિશ તૈયાર કરો.

ઠંડું કર્ડ સેલડ

સામગ્રી :
૫૦૦ ગ્રામ દહીં, ૧૦૦ ગ્રામ પનીર, ૧ ચમચો છીણેલું ગાજર, ૧ ચમચો છીણેલી કોબીજ, ૧ ચમચો ફણગાવેલા મગ, ૧ ચમચો સમારેલી કોથમીર, ૧ ચમચો ઝીણી સમારેલી પાલક, ૨ ચમચા શેકેલી ખાંડેલી શિંગ, ચપટી મીઠું, ચપટી મરી, ચપટી બૂરું ખાંઙ
રીત :
દહીંને સાફ કપડામાં બાંધીને ત્રણ-ચાર કલાક માટે લટકાવી રાખો. જ્યારે બધું પાણી નીતરી જાય ત્‍યારે એક બાઉલમાં કાઢો અને બરાબર ફીણો. પનીરને છીણો અને તેમાં મિક્સ કરો. પછી તેમાં બધી સામગ્રી મિક્સ કરો. તેને સેટ થવા માટે ફ્રિજમાં મૂકો. ઈચ્‍છા મુજબના આકારમાં કાપો અને સર્વ કરો.

જેલી સેલડ

સામગ્રી :
૧ પેકેટ સ્‍ટ્રોબરી જેલી પાઉડર, ૧/૨ કપ સમારેલ સફરજન, ૨ મોટા ચમચા સમારેલી કોબીજ, ૧ ચમચો સમારેલું કેળું, ૧ ચમચો સમારેલી કેરી.
રીત :
જેલી પાઉડરને થોડા ગરમ પાણીમાં ઓગાળી પછી તેમાં બે કપ પાણી મિક્સ કરો. જેલી મોલ્‍ડને પાણીથી ભીનો કરો. નીચે એક એક પડ દરેક ફળ અને શાકનું પાથરો. પછી જેલી મિશ્રણ ભરી દો. ફ્રિજમાં ૧/૨ કલાક સેટ રાખવા માટે મૂકો. જ્યારે જેલી સેટ થઈ જાય ત્‍યારે પ્‍લેટમાં બહાર કાઢો. વચ્‍ચે ફળના ટુકડા ભરો અને કાપીને ઠંડું જેલી સેલડ સર્વ કરો.

કોબીનાં પાનનું બીડું

સામગ્રી :
૧ કિલો મધ્‍યમ કદની કોબી, ૧૦૦ ગ્રામ પીસેલી રાઈ, ૧/૪ નાની ચમચી તજનો ભૂકો, ૫૦ ગ્રામ બારીક સમારેલું આદું, મીઠું તથા લાલ મરચું સ્‍વાદ મુજબ, ૧ નાની ચમચી સંચળ, ૨૫-૩૦ નંગ લવિંગ અથવા ટૂથ-પિક.
રીત :
સૌપ્રથમ કોબીની નીચેની ડાંખળી સાચવીને કાપી લો અને કોબીજનાં પાન ચીરાઈ ન જાય એ રીતે એક એક છૂટાં કરો. બધાં પાનને પાણીથી ધોઈ સ્‍વચ્‍છ કપડાથી લૂછી લો.
હવે જે પાન આખાં હોય તેમને જુદાં રાખો અને બાકીનાં પાન તથા વચ્‍ચેનાં નાનાં નાનાં પાનને ઝીણા સમારી લો. મીઠું અને લાલ મરચું, રાઈ, તજનો ભૂકો અને સંચળ પરસ્‍પર ભેળવો. હવે દોઢ ચમચી જેટલો મસાલો પાનમાં ભરવા માટેનો છે.
હવે કાબીનું એક આખું પાન લઈ તેમાં ભરવા માટેનો મસાલો પ્રમાણસર મૂકી, પાનનું બીડું વાળીને લવિંગ અથવા ટૂથપિક ભરાવી દો, જેથી બીડું ખૂલી ન જાય. આને દબાવીને એક કાચની બરણીમાં મૂકો. આ રીતે બધાં પાનનાં બીડાં બનાવીને બરણીમાં દબાવીને મૂકતાં જાવ. તેની ઉપર વધેલો દોઢેક ચમચી સૂકો મસાલો અને લીંબુનો રસ રેડીને બરણીનું મોં કપડાથી મજબૂત રીતે બાંધી દો.
બેત્રણ દિવસ સુધી બરણીને તડકે રહેવા દો. વચ્‍ચે-વચ્‍ચે બીડાંમાં રસ ભરાય એ માટે હલાવતાં રહો. ત્રીજા-ચોથા દિવસે અથાણું તૈયાર થઈ જશે.

કાબુલી ચણા-મસાલા સેલડ

સામગ્રી :
૧ કપ કાબુલી ચણા (રાતભર પલાળેલા), ૧ કાકડી, ૧ ડુંગળી, ૨ લીલાં મરચાં, ૮-૧૦ ફુદીનાનાં પાન, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચી સમારેલી કોથમીર, મીઠું સ્‍વાદાનુસાર, ૧ લીંબુનો રસ.
રીત :
ચણા ધોઈને કુકરમાં બાફી લો. ડુંગળી ઝીણી સમારો. કાકડીનાં ગોળ પતીકાં કરો. ચણામાં સમારેલી ડુંગળી, ચાટ મસાલો અને લીંબુનો રસ મિક્સ કરો. એક બાઉલમાં બધું ભેગું કરો. કાકડીનાં ગોળ પતીકાં અને ફુદીનાનાં પાન સાથે સજાવીને ઠંડું સેલડ પીરસો.

કર્ડ-કાકડી સેલડ

સામગ્રી :
૪ મોટી કાકડી, ૨ કપ બાંધેલું ઘટ્ટ દહીં, ૧ ચમચો સમારેલી કિસમિસ, મીઠું-મરી સ્‍વાદાનુસાર.

રીત :
કાકડીને સમારી તેના ત્રણ ઈંચના ટુકડા કરો. તેને વચ્‍ચેથી કાપી બી કાઢી નાખો. દહીં ફીણો, તેમાં મીઠું-મરી અને સમારેલી કિસમિસ નાખો. કાકડીના ખાલી ભાગમાં તેને ભરો. સેલડ ઠંડું કરીને પીરસો.

સફરજનનો મુરબ્‍બો

સામગ્રી : ૧ કિલોગ્રામ ખટમીઠાં સફરજન, ૩/૪ કિલોગ્રામ ખાંડ, ૨ લીંબુ.
રીત : સફરજનને ધોઈને છાલ કાઢી લો. બી કાઢીને ટુકડા કરો. કાંટાથી ટુકડામાં કાણાં કરો. ખાંડ અને ૧/૨ કપ પાણી કુકરમાં નાખીને ખાંડ ઓગાળો. ઉપર આવેલો કચરો કાઢી લો. એમાં ટુકડા નાખીને ચઢવા દો. લીંબુનો રસ નાખો મિક્સ કરીને સતત હલાવતાં રહો. ચાસણી ઘટ્ટ થઈને ટુકડાઓ પર લપેટાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લો. ઈચ્‍છા હોય તો એક-બે ટીપાં રંગ પણ નાખી શકાય છે. સ્‍વચ્‍છ અને કોરા ડબ્‍બા અથવા બોટલમાં ભરો.

મગજના-લાડુ

જરૂરી સામગ્રી :
(૧) ચણાનો-કરકરો લોટ : ૬૦૦ ગ્રામ (૨) ઘી : ૫૦૦ ગ્રામ (૩) બૂરું ખાંડ : ૬૦૦ ગ્રામ (૪) એલચી (૫) બદામ (૬) ચારોળી (૭) દૂધ.
બનાવવાની રીત :
૧.ચણાના લોટને દૂધ-ઘીનો ધાબો દો. કલાક પછી તે ચાળી લો. ઘીમાં
તેને શેકો.
૨.ઠંડુ પડે બુરુ-ખાંડ અને એલચીનો ભૂકો નાખો. થાળીમાં ઘી લગાવી તે
પાથરી દો. ઠરે એટલે થોડું ઘી રેડો.
૩.તેના ઉપર બદામ-ચારોળીની કાતરી ભભરાવો. ઠરે તેનાં ચકતાં કરો.
પોષકતા :આ મિષ્‍ટાનમાં ચણા ભળેલ છે, જેને આયુર્વેદિક ગ્રંથોમાં બળ અને પુષ્ટિ આપનાર તથા કાંતિ અને વર્ણ સુધારનાર ગણ્યા છે.

ફાફડા-ગાંઠિયા

ફાફડા ગાંઠિયા
જરૂરી સામગ્રી :
(૧) ચણા-લોટ : ૫૦૦ ગ્રામ (૨) તેલ : ૫૦૦
ગ્રામ (૩) મરીનો ભૂકો : ૧ ચમચો (૪) અજમો : ૧ ચમચો (૫) હિંગ (૬) મીઠું.
બનાવવાની રીત :
૧.ચણાના લોટમાં અજમો, મરી, હિંગ ને તેલનું મોણ નાખો. પાણીમાં ખારો, મીઠું નાખી કઠણ લોટ બાંધો. જરા પાણી નાખીને મસળો.
૨.બાંધેલ લોટના લૂઆ કરી હાથથી પાતળા ગાંઠિયા વણો. ધારીવાળી છરી વડે ઉખેડી ગરમ તેલમાં તળી લો.
૩.છેલ્લે ગાંઠિયા પર વાટેલ મરી-હિંગ ભભરાવો.
પોષકતા :
૧૧,૫૦૦ જેવી મબલખ કેલરી ધરાવતી આ વાનગી છે. ચણાના પૌષ્ટિક ગુણો જાણીતા છે.
સેવ, ભજિયાની જેમ ફાફડા, ગાંઠિયા સર્વ કોઈને પ્રિય છે.

બનાવો જલેબી

જલેબી
જરૂરી સામગ્રી :
(૧) મેંદો : ૫૦૦ ગ્રામ (૨) ચણાનો લોટ : ૧૦૦ ગ્રામ (૩) ખાંડ : ૧ કિલો (૪) યીસ્ટ.
બનાવવાની રીત :
૧.મેંદામાં ચણાનો લોટ નાખી તેમાં પા ચમચી યીસ્ટ નાખી ગરમ પાણીથી ગાર બનાવી,
બે દિવસ મૂકી રાખો. જો તૈયાર બોળો મળી રહે તો પા કપ બોળો નાખી, એક દિવસ મૂકી રાખો.
૨.પછી ખાંડની ચાસણી ગુલાબજાંબુની ચાસણી કરતાં વધારે ઘટ્ટ બનાવો.
૩.બેઠા આકારનું વાસણ લઈ તેમાં તળવા માટે ઘી મૂકો.
૪.કોઈપણ વાસણમાં, વાટકામાં અથવા ડબામાં કાણું પાડી તેનાથી જલેબી પાડવી. તળાઈ રહ્યા પછી ચાસણીમાં બોળી અને કાઢી લો.
પોષકતા :
૬૪૦ કેલરી વ્યક્તિ દીઠ મળે છે. ગમે તે ઋતુમાં અને ગમે તે પ્રસંગમાં બનાવાતી એવરગ્રીન જેવી જલેબી શર્કરા અને પ્રોટીનનું સમતુલન ધરાવે છે.

મેથીના-થેપલા

સામગ્રી :
મેથીની ભાજી (બારીક સમારેલી )-૧ ઝૂડી
લીલાં મરચાં-૨ નંગ
તલ -૧ ચમચી
હળદર -પા ચમચી
બાજરીનો લોટ -૨૫૦ ગ્રામ
મીઠું -સ્વાદ મુજબ
દહીં -જરૂર મુજબ
રીત :
મેથીની ભાજીનાં પાનને બારીક સમારી પાણીમાં સારી રીતે ધોઇ,નિતારીને કાઢી લો.પછી તેમાં લીલાં મરચાંની પેસ્ટ,તલ,હળદર,મીઠું ઉમેરીને મસળો જેથી મેથીનાં પાન એકદમ કુમળાં થઇ જશે.
હવે બાજરીના લોટમાં દહીં ભેળવી જરૂર પૂરતું પાણી ઉમેરી કણક બાંધો. તેના પોચા હાથે લૂઆ બનાવી થેપલાં વણો. લોઢી ગરમ કરી બંને બાજુએ સહેજ તેલ મૂકી આછા બ્રાઉન રંગનાં શેકી લો.

રીંગણ -ઓળો

સામગ્રી :
1 રીંગણ,
1 ટામેટું,
4 કળી લસણ,
2 લાલ મરચા,
જીરુ, રાઈ,
1 ડુંગળી,
તેલ અથવા ઘી,
મીઠુ સ્વાદાનુસાર,
સજાવવા માટે લીલા ધાણા

રીત:
રીંગણ ભટ્ટામાં લસણની કળીઓ નાખીને ગેસ અથવા ભઠ્ઠીમાં શેકો, રીંગણા શેકાઈ ગયા પછી તેના છોતરા ઉતારીને તેને સારી રીતે સાફ કરો, ડુંગળી અને લસણના નાનાં ટુકડા કરો, હવે કડાઈમાં થોડુ તેલ નાખી ગરમ કરો, તેમાં રાઈ તથા લાલ મરચા અને જીરુ શેકી લો. ત્યારબાદ તેમાં ટામેટા, લસણ અને ડુંગળી નાખીને તેમાં મીઠુ નાખી ગુલાબી થાય ત્યાં સુધી તેને શેકાવવા દો. મસળેલા રીંગણા અને ટામેટા નાખીને થોડીવાર શેકો. હવે તેને કોથમીર ભભરાવીને પીરસો.

સરગવાસીંગનું લોટવાળું શાક

સામગ્રીઃ
૫૦૦ગ્રા. સરગવાની સીંગ,
૨૦૦ ગ્રા.ચણાનો લોટ,
૫૦ગ્રા. આંબલી, હળદર,
મીઠું, ગોળ, મરચું


રીતઃ
સરગવાની સીંગને ધોઈને નાના ટુકડા કરી તેને પાણીમાં મીઠું નાખી બાફી નાખો.ચણાના લોટને તેલ વિના જરા ગુલાબી રંગનો શેકો. આંબલી ધોઈ તેનું પાણી કરો. આંબલી ન હોય તો છાશ લો.આંબલીનું પાણી, ચણાનો લોટ, મરચું, મીઠું, હળદર, ગોળ ભેગા કરી લોટનું પાતળું ખીરું બનાવો.તપેલીમાં તેલ મૂકી, રાઈ- હિંગ નાખી, લોટને વધારી, લોટનું પાણી વધારો કે તરત જ હલાવતાં રહો, નહિતર ગાંઠો પડી જશે.લોટ, જરા ઘટ્ટ લાગે કે તરત જ બાફેલી સીંગ તેમાં નાખી તવેતાથી હલાવતા રહો.
પોષકતાઃ
૧૩૦૦કેલરી છે. સરગવાના શાકમાં ખનીજ ક્ષારો ને વિટામિનો ખૂબ જ છે. ચણાનો લોટ ભળતાં પ્રોટીનની સમૃધ્ધિ મળે છે.