Thursday, December 2, 2010

આખા અડદ સાથે બાજરાના રોટલા

સામગ્રીઃ-
૨૫૦ ગ્રા. આખા અડદ,
વાટેલા આદું- મરચા અને લસણ,
અડધી વાટકી સમારેલી કોથમીર,
૫૦૦ ગ્રા. ખાટી છાશ,
મીઠું પ્રમાણસર,
૨ ટી સ્‍પૂન ચણાનો લોટ,(ખાસ બંધારણ માટે)
અડધી વાટકી પાતળી સમારેલી ડુંગળી,
૪થી૫ કળી સમારેલી લસણની,
૧ ચમચી રાઈ,
૧ ચમચી લાલ મરચું પાઉડર,
વધાર માટે તેલ ૨ ટે. સ્‍પૂન,
અડધી ચમચી હળદર






રીતઃ-
અડદને સારી રીતે ધોઈને, પાણી રેડી કુકરમાં વ્‍હીસલ વગાડી બાફી લેવા, પછી એને જે તપેલીમાં કરવા હોય તેમાં કાઢી લો. એક વાસણમાં છાશ લઈ તેમાં ૨ ચમચી ચણાનો લોટ મિકસ કરી અડદમાં રેડી, એમાં મીઠું, હળદર, વાટેલા આદું – મરચાં – લસણ નાખી ધીમે તાપે ઉકળવા મૂકી, વઘારિયામાં (જરા મોટું વઘારિયું લેવું અથવા લોખંડની નાની તાંસળી લેવી) બે થી અઢી ચમચા તેલ મૂકવું. તેલ આવે એટલે એમાં રાઈ નાખી, સૂકા મરચાંના ટુકડા નાખવા, રાઈ તતડે એટલે મેથી, હિંગ વિ. નાખી ઉપર મરચું પાઉડર નાખી અડદમાં વઘાર કરવો. હવે કડાઈમાં અડધી ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી સાંતળો. જરા સંતળાય એટલે લસણ જે કાપીને રાખ્‍યું હોય તેને સાંતળવું, ડુંગળી ને લસણનો રંગ જરા ગુલાબી થાય એટલે અડદમાં રેડી, પાંચથી સાત મિનિટ ઉકળવા દેવું અને ઉપર કોથમીર નાખવી.
વઘાર માટેઃ-
બધો ભેગો વધાર કરવો હોય તોપણ કરી શકાય. દા.ત. તેલ મૂકીને રાઈ તતડે એટલે કાંદા નાખવા. જરાક સંતળાય એટલે લસણ નાખવું ને સૂકા મરચાંના કટકા નાખી દેવા. છેલ્‍લે મેથી નાખી દેવા વઘાર અડદમાં રેડી શકાય.આ અડદ સાથે ગરમ બાજરાના રોટલા, લીલી ડુંગળીના દાંડા, લસણની લાલ ચટણી અને રીંગણાનો ઓળો, એમાં લીલું લસણ અને કોથમીર તેમજ છીણેલું આદું નાખીને અસલ શિયાળુ જમણની મોજ માણવી.

No comments: