Tuesday, January 25, 2011

વડા અને દહીંવડા

વડા અને દહીંવડા
કાળી ચૌદશ આવે એટલે ઘરમાં વડા બને અને ખાવામાં આવે એવો જૂનો રિવાજ છે. ઘરમાં જો બહુ કજિયો, કંકાસ, કકળાટ થતો હોય તો થોડા વડા ખાસ તેના નિકાલ માટે બનાવીને ઘણા લોકો ચાર રસ્તે મૂકી આવે છે. કેટલાક પોટલીમાં તો કેટલાક લોકો માટલીમાં મૂકી આવે અને તેની ફરતે પાણીનું કૂંડાળુ કરીને ભગવાનને પ્રાર્થના કરે કે કકળાટને અમારા જીવનમાંથી ને ઘરમાંથી કાઢો. મારા નાનીમાની વાત કરું તો તેમનો પૌત્ર નાનો હતો ત્યારે બહુજ રડે એટલે એનો રડવાનો કકળાટ દૂર કરવા માટે ચાર રસ્તે વડા મૂકી આવીને એમણે હનુમાનજીને પ્રાર્થના કરી હતી. છોકરો ખરેખર વારે ને તહેવારે પોક મૂકીને રડતો બંધ થઈ ગયો હતો. વડા બનાવવાની રીત બહુ જ સરળ છે.
સામગ્રી:૧ કપ અડદની દાળ, ૧ કપ ચોળાની દાળ, ચોથા ભાગનો કપ ભરીને મગની દાળ, પ્રમાણ અનુસાર તેલ
રીત:સામગ્રીમાં લખેલી ત્રણેય દાળ છ કલાક માટે પલાળો.પછી પાણી નીતારી લઈને મીક્સરમાં કે અન્ય રીતે અધકચરી વાટો અને તેમાં મીઠું નાખો. ગરમ તેલમાં તેના વડા મૂકીને વડા ઉતારો.
અહીં ખાસ નોંધવાનું કે ચોળા ન હોય તો એકલા અડદના કે અડદ ના હોય તો એકલા મગના કે એકલા ચોળાના વડા પણ થઈ શકે એ તમને અનુભવે ખ્યાલ આવી જશે. એ જ રીતે ઉપર જે માપ લખ્યુ છે એ પ્રત્યેક દાળના માપમાં તમે ફેરફાર કરીને પણ વડા બનાવી શકો છો.દહીંવડા
ઉપરની જ રીતે જે વડા તૈયાર થાય તેને હૂંફાળા પાણીમાં નાખો અને પછી બહાર કાઢી પાણી દબાવી દઈને દહીં, ગળી ચટણી, મીઠુ, મરચું નાખીને પીરસો એટલે દહીંવડા થઈ જાય.

No comments: