Tuesday, January 25, 2011

શીંગ ભુજીયા

શીંગ ભુજીયા
તો ચાલો આજે શરૂઆત કરીએ મારી ભાવતી મજા મજાની તીખ્ખી વાનગી સીંગ ભુજીયાથી. યાદ છે ને કોલેજમાં સમ્રાટ નમકીનના સૌથી વ્હાલા શીંગ ભુજીયા ? બજારના પેકેટ છોડો, જો ઓવન હોય તો મિનીટોમાં આ ભુજીયા ઘરે બનાવી શકો છો તમે.આ વાનગી હું ઓવનમાં બનાવુ છુ એટલે તમને માઈક્રોવેવની રીત જ કહી શકીશ.તમે તમારી સૂઝબૂઝથી માઈક્રોવેવ વગર પણ તેને બનાવી જ શકો છો.
દિવાળીના નાસ્તામાં જો તમે શીંગ ભુજીયા પીરસશો તો એ વાત નક્કી કે તમારે બહુ મોટા પ્રમાણમાં શીંગ ભુજીયા બનાવવા પડશે. કારણકે આ એવી સ્વાદિષ્ટ ચીજ છે કે જે આવશે એ મુઠ્ઠી બાય મુઠ્ઠી ખાતા ખાતા આખી ડીશ ખાલી કરી નાખશે.
વાનગી તૈયાર થવાનો સમય : પાંચ મિનીટ
વાનગી બનાવવાનો સમય: બે મિનીટ
સામગ્રી: અર્ધો કપ સાદા શીંગદાણા(નમકીન શીંગદાણા હોય તો વધુ સારૂ), અર્ધો કપ ચણાનો લોટ, એક નાની ચમચી લાલ ભૂકા મરચુ, બે ચમચી વરિયાળી(ફેનલ)પાવડર, દોઢ ચમચી મરી પાવડર, બે થી ત્રણ મોટી ચમચી પાણી, એક મોટી ચમચી તેલ.
રીત: શીંગદાણા સિવાયની બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરીને હલાવો. આ મિશ્રણમાં શીંગદાણા નાખો અને હલાવો. પછી માઈક્રોવેવમાં મૂકવા માટેનો બીજો બાઉલ લઈ તેની અંદરની કિનારીએ તમામ ઠેકાણે બરબર તેલ લગાવી દો. હવે ભજીયા મૂકતા હોઈએ એમ છૂટ્ટા છૂટ્ટા(એક બીજાને અડે નહીં એ રીતે) શીંગદાણા મૂકો. એ વાતનું ધ્યાન રહે કે મિશ્રણમાંથી બહાર કાઢેલા શીંગદાણાની તમામ કિનારીએ મિશ્રણ લાગી ગયેલું હોવું જોઈએ.હવે દોઢ મિનીટ માટે માઈક્રોવેવ ચાલુ કરો અને તૈયાર થઈ જશે સ્વાદિષ્ટ શીંગ ભુજીયા(જો શીંગદાણામાં ભેજ હોય તો દોઢ મિનીટથી થોડો વધુ સમય પણ થઈ શકે છે.એ ચકાસતા રહેવું) ભુજીયા થોડા ઠંડા થઈ જાય પછી આપ તેનો આસ્વાદ લઈ શકશો .

No comments: