Tuesday, January 25, 2011

સેવ ખમણી


સેવ ખમણી




ઈન્ટરનેટ દ્વારા બધું જ થઈ શકે છે પરંતુ પેટ ભરાતું નથી અને ખાવાનાનો સ્વાદ કે સુગંધ માણી શકાતા નથી.


એટલે જ સ્તો વાનગીની રીત આપવા અમને નિયમિત રીતે વાંચકોની ફરમાઈશો મળતી જ રહે છે.


આજે ન્યૂઝીલેન્ડના અર્પિતભાઈ, યુકેના લેસ્ટર સ્થિત મીનાક્ષીબેન અને દુબઈના મિહીરભાઈ પુરોહિતની ફરમાઈશ પર સેવ ખમણીની રીત અહીં પ્રસ્તુત છે.


સેવ ખમણી એ મૂળ તો સુરતી ચટાકાની વાનગી છે પરંતુ અમદાવાદમાં દાસની સેવ ખમણી સુરતનું અંતર ભૂલાવી દે એવી હોય છે એટલે અમદાવાદમાં પણ સેવ ખમણી ઠીક ઠીક લોકપ્રિય થઈ છે.


અમારા પરિચિતોમાં ગુજરાતના સ્વર્ગસ્થ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હરેનભાઈ પંડ્યાને સેવ ખમણી ખૂબ જ ભાવતી હતી એ યાદ છે. કોઈ કાર્યકરનું કામ થયું હોય ને હરેનભાઈ પાસે પેંડા લઈને જાય તો હરેનભાઈ ન સ્વીકારે પણ ગરમા ગરમ સેવખમણી લઈને જાઓ તો જોડે બેસીને ખાય.


પ્રસ્તુત છે સેવ ખમણીની રીત.


સામગ્રી: ૫૦૦ ગ્રામ ચણાની દાળ, ૨૦૦થી અઢીસો ગ્રામ તેલ, અર્ધી ચમચી રાઈ, ૧ ચમચી તલ, ૧ ચમચી વાટેલું લસણ, ૨ ચમચી વાટેલાં મરચાં, ૧ ચમચી ખાંડ, ૧ લીંબુ, ૨૫૦ ગ્રામ ઝીણી સેવ, અર્ધો કપ કોપરાની છીણ, ૧ દાડમ, ૪ ચમચી ઝીણી સમારેલી કોથમીર, પ્રમાણસર મીઠું


રીત: ચણાની દાળને છ કલાક પાણીમાં પલાળીને વાટો. હવે તેને કૂકરમાં વરાળથી બાફીને ચાળણાથી ચાળી નાખો.


એક વાસણમાં વઘાર માટે તેલ, રાઈ, તલ મૂકીને વાટેલું લસણ નાખી વધારો. તેમાં દાળ નાખો. મીઠું, વાટેલા મરચાં, ખાંડ નાખો. થોડું પાણી નાખો. લીંબુ નીચોવો.


સાંતળાઈ જાય એટલે નીચે ઉતારી ડીશમાં કાઢી તેની પર ઈચ્છા મુજબ ઝીણી સેવ, કોપરાની છીણ, લાલ દાડમ અને કોથમીર ભભરાવીને પીરસો.

No comments: